ઉંમર માત્ર એક નંબર છે અને જો મનમાં દ્રઢ નિશ્ચય હોય તો ગમે તેવું અઘરું કામ પણ પાર પાડી શકાય છે, તેવું દિલ્હીના 64 વર્ષના રિટાયર્ડ જજ પૂના એ બમ્બાએ કરી બતાવ્યું છે. નવેમ્બર 2024માં તેમણે પોતાના 66 વર્ષના પતિ અનિલ બમ્બા સાથે નેપાળની વાટ પકડી અને અચાનક જ એવરેસ્ટ બેઝ કેમ્પના અભિયાન પર નીકળી પડ્યા. શરૂઆતમાં તો પૂનાજી આ ટ્રીપ માટે જરાય જવાના નહોતા, પણ જ્યારે તેમણે વિચાર્યું કે જો તેમના પતિ આ ઉંમરે જઈ શકે છે, તો તેઓ કેમ નહીં? બસ, આ એક જ વિચારથી તેમની આ સાહસિક સફરની ગાથા શરૂ થઈ ગઈ.
કોઈપણ પ્રકારની પ્રોફેશનલ કે સ્પેશિયલ ટ્રેનિંગ વગર મેદાનથી સીધા હિમાલયના પહાડો ચડવા એ લોઢાના ચણા ચાવવા સમાન હતું. જોકે, તેમની નિયમિત ફિટનેસની આદતો જેમ કે સવારની 5 થી 6 કિલોમીટરની વોક, મેડિટેશન, ડાન્સ અને પ્રાણાયામ તેમને આ સફરમાં ખૂબ કામે લાગ્યા. નેપાળના લુકલાથી શરૂ થયેલી આ સફરમાં તેમણે પતિ, એક મિત્ર અને શેરપા ગાઈડ સાથે મળીને ખબ જ ખરબચડા રસ્તાઓ, ગાઢ જંગલો અને હાડ થીજવતી ઠંડી વચ્ચે 10 દિવસમાં 65 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું. આ યાત્રા દરમિયાન ઓછી ઓક્સિજનની માત્રાને કારણે ભૂખ ઓછી લાગવી અને કડકડતી ઠંડીનો સામનો કરવો જેવા પડકારો પણ સામે આવ્યા, જ્યાં ગરમ સૂપ અને જીંજર-હની ટી તેમનો મુખ્ય સહારો બન્યા હતા.
દિલ્હી હાયર જ્યુડિશિયલ સર્વિસમાં ડિસેમ્બર 2002માં જોડાયેલા અને 2023માં નિવૃત્ત થયેલા પૂનાજીએ સાબિત કરી દીધું કે રિટાયર્ડમેન્ટ એ જિંદગીનો અંત નથી, પણ એક નવો અને રોમાંચક અધ્યાય છે. એવરેસ્ટ બેઝ કેમ્પ પહેલા તેઓ એન્ટાર્કટિકાની પ્રખ્યાત અને તોફાની ડ્રેક પેસેજની સફર પણ ખેડી ચૂક્યા છે. દુધ કોશી નદી પરના સસ્પેન્શન બ્રિજ પર ઊભા રહીને ગ્લેશિયર અને કુદરતી સૌંદર્યને માણતી વખતે તેમને જે અલૌકિક શાંતિ અને અનુભૂતિ થઈ, તે તેમની આખી જિંદગીની મૂડી બની ગઈ છે. આ સફર એ વાતની સાક્ષી પૂરે છે કે ક્યારેક અદ્ભુત સાહસ કોઈ લાંબા સપનાથી નહીં, પણ જિંદગીનો આગામી ડગલું ભરવાના એક સહજ નિર્ણયથી શરૂ થાય છે.
