વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના પ્રવાસે પધારવાના છે. આ મહત્ત્વપૂર્ણ પ્રવાસને આખરી ઓપ આપવા અને તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ડીસા તાલુકાના ભીલડી ખાતે પહોંચ્યા હતા. તેમણે આગામી કાર્યક્રમ સ્થળ, હેલિપેડ, સભા મંડપ અને સુરક્ષા વ્યવસ્થાઓનું ખુદ સ્થળ પર જઈને જાત-નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તેમણે વહીવટી તંત્ર અને બનાસ ડેરીના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી પીએમ મોદીના આ પ્રવાસને ઐતિહાસિક બનાવી શકાય.
આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી બનાસ ડેરી દ્વારા નિર્મિત અત્યાધુનિક પશુ સંવર્ધન કેન્દ્ર સહિતના વિવિધ વિકાસ કાર્યોની ભેટ જનતાને આપશે. પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ અને પશુધનની ગુણવત્તા વધારવાના ઉદ્દેશ્યથી અંદાજે 325 કરોડના તોતિંગ ખર્ચે આ અદ્યતન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર કાંકરેજ, ગીર જેવી દેશી ગાયો અને મહેસાણી, બન્ની જેવી ભેંસોની આનુવંશિક ગુણવત્તા તથા ઓલાદ સુધારવા માટે અત્યાધુનિક બ્રીડિંગ ટેક્નોલોજીથી સજ્જ છે. ઉત્તમ ગુણવત્તાના પશુઓ તૈયાર થવાથી પશુઓની દૂધ આપવાની ક્ષમતામાં ધરખમ વધારો થશે, જે શ્વેતક્રાંતિને એક નવી ઊંચાઈ પર લઈ જશે અને સમગ્ર દેશ માટે એક ઉત્કૃષ્ટ રોલ મોડલ બનશે.
ભીલડી ખાતે ચાલી રહેલી તડામાર તૈયારીઓ અંગે હર્ષ સંઘવીએ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, જિલ્લા પોલીસ વડા અને બનાસ ડેરીના ચેરમેન-મેનેજમેન્ટ સાથે રૂબરૂ ચર્ચા કરીને કાર્યક્રમનું માઇક્રો-પ્લાનિંગ ચકાસ્યું હતું. વડાપ્રધાનની આ વિશાળ જનસભામાં ઉત્તર ગુજરાતભરમાંથી લાખો પશુપાલકો અને નાગરિકો ઉમટી પડવાના હોવાથી ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ, પીવાના પાણી અને હોસ્પિટલ જેવી આરોગ્ય સુવિધાઓ ઉત્તમ જળવાઈ રહે તે માટે અધિકારીઓને કડક સૂચનાઓ અપાઈ છે. પીએમ મોદીના આગમનને પગલે સમગ્ર સરહદી પંથકમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે.
