ઝેરોધાના કો-ફાઉન્ડર અને અબજોપતિ ઉદ્યોગસાહસિક નિખિલ કામથે તાજેતરમાં એક સમિટ દરમિયાન ભારતની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મહત્વાકાંક્ષાઓ અને ભવિષ્યના બિઝનેસને લઈને મહત્વના વિચારો રજૂ કર્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, અમેરિકા અને ચીન પાસે અઢળક રિસ્ક કેપિટલ હોવાથી તેમની સાથે સીધી સ્પર્ધામાં ઉતરવું મુશ્કેલ છે. આથી, ભારતીય કંપનીઓએ ફાઉન્ડેશન લાર્જ લેંગ્વેજ મોડેલ્સ વિકસાવવા પાછળ શક્તિ વેડફવાને બદલે ઓપન સોર્સ મોડેલ્સ અને કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને AI એપ્લિકેશન્સ તથા સર્વિસિસ બનાવવી જોઈએ. ભારતમાં પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ પશ્ચિમી દેશો કરતા 30 થી 40 ટકા ઓછો છે, જે આપણી સૌથી મોટી તાકાત સાબિત થઈ શકે છે.
યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરતા કામથે જણાવ્યું હતું કે આજે ઇન્ટરનેટ અને AIના કારણે શિક્ષણ અને જાણકારી મેળવવી ખૂબ સરળ બની ગઈ છે. તેમણે ભારતની આર્થિક પ્રગતિ માટે ચીનનું ઉદાહરણ આપતા કહ્યું કે ચીનની જેમ ભારતીય રાજ્યોએ પણ બિઝનેસ આકર્ષવા અને આર્થિક વિકાસ માટે એકબીજા સાથે વધુ આક્રમક સ્પર્ધા કરવી જોઈએ. રાજ્યોના ચીફ મિનિસ્ટર જો કંપનીના CEOની જેમ કામ કરે તો પરિણામો ઝડપથી આવી શકે છે. સોફ્ટવેર એક્સપોર્ટ ઉપરાંત ભારતે મેન્યુફેક્ચરિંગ અને કન્ઝ્યુમર બ્રાન્ડ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સાથે જ, તેમણે ભારતમાં ફેલ્યોર સ્વીકારવાની સંસ્કૃતિ વિકસાવવાની વાત કરી જેથી સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ નિષ્ફળતા પછી ડર્યા વગર ફરીથી નવો બિઝનેસ શરૂ કરી શકે.
સ્ટોક માર્કેટ અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ અંગે ચર્ચા કરતા કામથે જણાવ્યું હતું કે માર્કેટમાં સ્પેક્યુલેટર્સ હોવા ખૂબ જરૂરી છે કારણ કે તેમના વગર પ્રાઇસ ડિસ્કવરી અત્યંત અક્ષમ બની જાય છે. રિટેલ ઇન્વેસ્ટર્સને થતા નુકસાન પાછળ હાઇ ટ્રાન્ઝેક્શન કોસ્ટ અને ટેક્સ જવાબદાર છે તેમ કહીને તેમણે સૂચન કર્યું કે ટેક્સ સિસ્ટમ એવી હોવી જોઈએ જે ટ્રાન્ઝેક્શનના ખર્ચ પર નહીં પરંતુ માત્ર આવક પર જ લાગુ થાય. આ ઉપરાંત, હાઇ-ફ્રિક્વન્સી ટ્રેડર્સ અને સંસ્થાકીય રોકાણકારોને મળતા વિશેષ ફાયદાઓ સામે સામાન્ય રિટેલ ઇન્વેસ્ટર્સને પણ સમાન તક મળવી જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.
