દાયકાઓ પહેલાં પેસિફિક મહાસાગરમાં આવેલા સમોસાના નિર્જન ન્યૂ'ટેલે આઈલેન્ડ પરથી કુદરતી સંતુલન બગડી ગયું હતું, પરંતુ હવે ત્યાં એક મોટી ખુશખબર સામે આવી છે. આ આઈલેન્ડ પરથી બહારથી આવેલા ખતરનાક શિકારી જીવો જેમ કે ઉંદર અને જંગલી સુવરોનો સફળતાપૂર્વક સફાયો કરવામાં આવ્યો છે, જેના કારણે દાયકાઓથી ગાયબ થઈ ગયેલા સમુદ્રી કાચબા આખરે પોતાના કિનારે પાછા ફર્યા છે. આ આઈલેન્ડ પર સુંદર ઉષ્ણકટિબંધીય જંગલો આવેલા છે, પરંતુ બહારથી લાવવામાં આવેલા પ્રાણીઓએ અહીંની ફૂડ ચેઈન અને વનસ્પતિને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ગંભીર સમસ્યાને હલ કરવા માટે વર્ષ 2025માં એક મોટું પર્યાવરણીય અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે મે 2026 સુધી ચાલ્યું હતું અને તેમાં કુલ 130 દિવસથી વધુ સમય સુધી ફિલ્ડવર્ક કરવામાં આવ્યું હતું.
આ વિશેષ પ્રોજેક્ટ અંતર્ગત ગ્લોબલ ચેરિટી આઈલેન્ડ કન્ઝર્વેશનની આગેવાનીમાં 12 અલગ-અલગ અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ મેનેજર પોલ જેક્સના જણાવ્યા અનુસાર, શિકારી પ્રાણીઓ દૂર થતાં જ જંગલોની સ્થિતિમાં જાદુઈ ફેરફાર જોવા મળ્યો છે. જંગલના તળિયે હવે ઘાટ વનસ્પતિ અને ઊંચા છોડ ઉગી નીકળ્યા છે. એટલું જ નહીં, આ આઈલેન્ડ પર આવતા સ્થાનિક ખેડૂતો હવે પપૈયા, કેળા, અનાનાસ અને જાયન્ટ ટારો જેવા મહત્ત્વના પાક સુરક્ષિત રીતે ઉગાડી રહ્યા છે. જંગલો ફરીથી હરિયાળા બનવાને કારણે જમીનનું ધોવાણ અટક્યું છે અને પૂર કે વાવાઝોડા જેવી ગંભીર સ્થિતિમાં કુદરતી પાણીના સ્ત્રોતોનું રક્ષણ પણ થઈ રહ્યું છે. આ બદલાવથી માત્ર વનસ્પતિ જ નહીં, પરંતુ દુર્લભ પક્ષીઓની પ્રજાતિઓ પણ ફરીથી પ્રજનન કરવા લાગી છે.
શિકારીઓનો નાશ થતાં સમોસાના સૌથી દુર્લભ ગ્રાઉન્ડ ડવ પક્ષીઓએ ફરીથી માળા બનાવવાનું શરૂ કરી દીધું છે અને નવા પક્ષીઓનાં બચ્ચાં પણ જોવા મળ્યાં છે. આ અભિયાનમાં સમોસાની સરકારી એજન્સીઓ ઉપરાંત ન્યૂઝીલેન્ડ અને બ્રિટન જેવા દેશોની ફંડિંગ તેમજ સ્થાનિક સ્વયંસેવકોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સફળતાથી માત્ર પર્યાવરણ જ સમૃદ્ધ નથી બન્યું, પરંતુ ભવિષ્યમાં અન્ય લુપ્તપ્રાય પક્ષીઓને પણ અહીં લાવવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે. નિષ્ણાતોનું માનવું છે કે ન્યૂ'ટેલે આઈલેન્ડની આ સફળતા ભવિષ્યમાં પેસિફિક ક્ષેત્રના અન્ય ટાપુઓ પર પણ ક્લાયમેટ ચેન્જ સામે લડવા માટે એક મોટું ઉદાહરણ પૂરું પાડશે.
