અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ઇલેક્શનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ડેમોક્રેટ્સે અપેક્ષા નહોતી ત્યાં પણ ગાબડાં પાડવાનું શરૂ કરી દીધું છે, જેને કારણે રિપબ્લિકન પાર્ટી ચિંતામાં મુકાઈ છે. દેશભરમાં મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ અને ઈરાન સાથેના યુદ્ધને લઈને મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે જે રાજ્યોમાં રિપબ્લિકનની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી, ત્યાં પણ હવે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસ પરનું પોતાનું નિયંત્રણ જાળવી રાખવા માટે રિપબ્લિકન્સે એડીચોટીનું જોર લગાવવું પડી રહ્યું છે.
આ સ્થિતિ વચ્ચે પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે મિસિસિપી પહોંચીને રિપબ્લિકન સેનેટર સિન્ડી હાઇડ-સ્મિથના સમર્થનમાં ભીષણ પ્રચાર કર્યો હતો. અહીં સિન્ડી સામે ડેમોક્રેટિક ઉમેદવાર સ્કોટ કોલોમ તરફથી ભારે ટક્કર મળી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે સ્કોટ ખુદ આ રેલીમાં પહોંચ્યા હતા. આ જ રીતે વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને ડેમોક્રેટ્સ તરફથી કમલા હેરિસ પણ અલગ-અલગ રાજ્યોમાં જઈને પોતાના ઉમેદવારોના સમર્થનમાં સભાઓ ગજવી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશભરમાં 30 મિલિયનથી વધુ વોટર્સ અર્લી વોટિંગ કરી ચૂક્યા છે. હાઉસ અને સેનેટ પર કબજો જમાવવા માટે બંને પક્ષો વચ્ચે જબરદસ્ત રસાકસી ચાલી રહી છે, જેમાં ટેક્સાસ, સાઉથ કેરોલિના, આયોવા અને કેન્સાસ જેવા રાજ્યોમાં મુકાબલો રોમાંચક બન્યો છે.
મિસિસિપી એવું રાજ્ય છે જ્યાં ટ્રમ્પે અગાઉ ભારે બહુમતી મેળવી હતી, પરંતુ આ વખતે અહીં સ્થિતિ અલગ છે. જોકે, નેશનલ રિપબ્લિકન સેનેટોરિયલ કમિટીના અધ્યક્ષ ટિમ સ્કોટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટ્રમ્પની મહેનત અને પ્રચારના કારણે અંતે તો રિપબ્લિકન પાર્ટી જ બહુમતી હાંસલ કરશે. બીજી બાજુ, ન્યૂ યોર્કમાં રિપબ્લિકન સાંસદ માઈક લોલરે ટ્રમ્પની જેમ મેકડોનાલ્ડ્સના ડ્રાઈવ-થ્રુ પર કામ કરીને વોટર્સને આકર્ષવાનો અનોખો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે મોંઘવારી અને યુદ્ધના આ વાતાવરણમાં અમેરિકાના વોટર્સ કોના પર ભરોસો મૂકે છે.
