તેહરાનની યુનિવર્સિટીના મુખ્ય ગેઇટ બહાર ગુરુવાર, 22 ઓક્ટોબરની રાત્રે મળેલી એક મોટી સભામાં ઈરાની મહિલાઓએ અનોખી રીતે વિરોધ અને બદલાની ઝુંબેશ શરૂ કરી છે. માદારાનેહ નામના મહિલા જૂથ દ્વારા રિંગ્સ ઓફ રિવેન્જ એટલે કે બદલાની અંગૂઠીઓ નામનું આ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો અને તાજેતરના યુદ્ધોમાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારોની મહિલાઓ સહિત સેંકડો લોકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી, જ્યાં બદલાની ભાવના જ મુખ્ય કેન્દ્રસ્થાને રહી હતી.
આ ઝુંબેશ અંતર્ગત મહિલાઓ સોનું અને નાણાં દાન કરી રહી છે, જેને આયોજકો બદલાની લડાઈ માટેનું સમર્થન માને છે. આ ડ્રાઇવ ચલાવતા નેહઝત-એ માદારી મૂવમેન્ટ દ્વારા સોનું દાન કરનાર મહિલાઓને બુલેટ આકારની તકતીવાળા બ્રેસલેટ પણ ભેટમાં આપવામાં આવી રહ્યા છે, જે તેમના મિશનની યાદ અપાવે છે. તાજેતરના યુદ્ધોમાં ઈરાને તેના કેટલાક મુખ્ય નેતાઓ અને ટોચના સુરક્ષા કમાન્ડરો ગુમાવ્યા છે, જેના કારણે દેશના નેતૃત્વને મોટો ફટકો પડ્યો છે અને આ અભિયાન દ્વારા આ નુકસાન સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર ઘટનાક્રમ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ગંભીર તણાવ વચ્ચે સામે આવ્યો છે, જ્યાં ઈરાનના અમેરિકા અને ઈઝરાઈલ સાથેના સંબંધો અત્યંત તંગ બનેલા છે. બીજી તરફ ઈઝરાઈલના ડિફેન્સ મિનિસ્ટર ઈઝરાઈલ કાટઝે સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાઈલની નેશનલ ઇલેક્શન પહેલા ઈરાન પર હુમલો કરવાનો કોઈ ઇરાદો નથી, પરંતુ જો ઈરાન પહેલ કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. પ્રાદેશિક અસ્થિરતા વચ્ચે ઈરાની મહિલાઓનું આ સોનું દાન કરવાની ઝુંબેશ સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બની છે.
