JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પબ્લિકના પૈસાથી સેલેબ્રિટીઝને ફટાકડા વિરોધી કેમ્પેઈન માટે પૈસા ન અપાય: બોમ્બે હાઈકોર્ટ

Oct 26, 2026 | 23:35 | By JAMNAGAR MIRROR
પબ્લિકના પૈસાથી સેલેબ્રિટીઝને ફટાકડા વિરોધી કેમ્પેઈન માટે પૈસા ન અપાય: બોમ્બે હાઈકોર્ટ
મુંબઈમાં વધી રહેલા પોલ્યુશન અને ફટાકડાના મામલે બોમ્બે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે બોલિવૂડ સ્ટાર્સે આ પ્રકારના સામાજિક અભિયાન માટે કોઈ ફી ના લેવી જોઈએ અને જો તેઓ ફ્રીમાં ના આવે તો તેમની પાછળ પબ્લિકના પૈસા બગાડવાની કોઈ જરૂર નથી.

સોમવારે મુંબઈના વધતા એર પોલ્યુશન અને નવરાત્રી દરમિયાન ફટાકડાના ઉપયોગ અંગે સુનાવણી કરતી વખતે બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ડિવિઝન બેન્ચ સમક્ષ જ્યારે એ વાત સામે આવી કે બોલિવૂડ સેલેબ્રિટીઝ આવા અવેરનેસ કેમ્પેઈનમાં ભાગ લેવા માટે ભારે-ભરખમ ફી વસૂલે છે, ત્યારે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે જો સેલેબ્રિટીઝ ખુશીથી આગળ ના આવતા હોય તો તેમની પાસે જવાની કોઈ જરૂર નથી, કારણ કે આ મુંબઈ શહેરે તેમને ઘણું બધું આપ્યું છે અને બદલામાં તેમણે પણ શહેર પ્રત્યેની જવાબદારી સમજીને ફ્રીમાં સેવા આપવી જોઈએ.

બેન્ચે સવાલ કર્યો હતો કે જે સેલેબ્રિટીઝ મુંબઈ પોલીસના વાર્ષિક ઇવેન્ટ ઉમંગમાં હાજરી આપી શકે છે, તેઓ શું કોઈ સામાજિક કારણ માટે 15 મિનિટ ફાળવી નથી શકતા? કોર્ટે એમ પણ સૂચવ્યું કે જો બોલિવૂડ સ્ટાર્સ ના માને તો મરાઠી કલાકારોની મદદ લેવી જોઈએ, જેઓ આવા અભિયાનમાં વિનામૂલ્યે જોડાવા તૈયાર થઈ જાય છે. એડિશનલ ગવર્મેન્ટ પ્લીડર જ્યોતિ ચવાણે કોર્ટને જણાવ્યું કે કેટલાક બોલિવૂડ સ્ટાર્સે ઇન્સ્ટાગ્રામ પર ફટાકડા નહીં ફોડવા અપીલ કરી છે, ત્યારે કોર્ટે કહ્યું કે સરકારી કેમ્પેઈનમાં પણ તેમણે ફ્રીમાં જોડાવું જોઈએ. આ સુનાવણી દરમિયાન કોર્ટે BMC અને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ન્યૂઝપેપર, ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયા પર આપવામાં આવતી જાહેરાતો તથા સ્કૂલના બાળકોને શપથ લેવડાાવવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

કોર્ટે BMC દ્વારા ફરિયાદો માટે હેલ્પલાઈન નંબર 1916 શરૂ કરવાના પ્રસ્તાવની નોંધ પણ લીધી હતી. બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે અવેરનેસ કેમ્પેઈન માત્ર 1 દિવસ પૂરતું સીમિત ન રહેવું જોઈએ પરંતુ સતત ચાલુ રહેવું જોઈએ. ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવા નિર્દેશ આપતા જસ્ટિસ કુલકર્ણીએ કહ્યું કે ત્યાંના લોકો રાતના 2 વાગ્યા સુધી ફટાકડા ફોડે છે, તેથી કોર્પોરેટર્સ અને અગ્રણી નાગરિકોની મદદ લઈને ત્યાં અવેરનેસ ફેલાવવી જરૂરી છે.

LATEST ARTICLES