JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ફોર્મ 6 માં કોઈ ફેરફાર કરાયો નથી, ડિક્લેરેશન ફોર્મ બિલકુલ અલગ છે: ચૂંટણી પંચની સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા

Oct 26, 2026 | 23:35 | By JAMNAGAR MIRROR
ફોર્મ 6 માં કોઈ ફેરફાર કરાયો નથી, ડિક્લેરેશન ફોર્મ બિલકુલ અલગ છે: ચૂંટણી પંચની સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને સ્પષ્ટ કર્યું છે કે નવા વોટર્સ માટેના ફોર્મ 6 માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત રજૂ કરાયેલું ડિક્લેરેશન ફોર્મ એક અલગ દસ્તાવેજ છે, જે વોટર્સની સરળતા માટે છે. પંચે તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા હોવાનું પણ જણાવ્યું છે.

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને એસઆઈઆર પ્રક્રિયા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓના જવાબમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સોગંદનામું દાખલ કર્યું છે. પંચે સ્પષ્ટતા કરી છે કે નવા વોટર્સ દ્વારા ભરાતા ફોર્મ 6 ના ફોર્મેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી, કારણ કે આ ફોર્મેટમાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે. ઓનલાઈન સિસ્ટમમાં ડિક્લેરેશન ફોર્મ પ્રદર્શિત થવાની રીતને કારણે ફોર્મ 6 માં બદલાવ થયા હોવાની ગેરસમજ ઉભી થઈ હતી, જે વાસ્તવમાં એક અલગ જ ફોર્મ છે.

સોગંદનામામાં જણાવ્યા મુજબ એસઆઈઆર ઓર્ડર હેઠળ ઉમેદવારોએ ફોર્મ 6 ની સાથે એક વધારાનું ડિક્લેરેશન ફોર્મ પણ જમા કરાવવાનું રહે છે. આ ડિક્લેરેશન ફોર્મનો મુખ્ય હેતુ મેપિંગ કોન્સેપ્ટ લાવવાનો છે, જેના દ્વારા નવા વોટર્સ પોતાના, માતા-પિતા કે દાદા-દાદીની અગાઉની મતદાર યાદીની વિગતો જોડી શકે છે. આ વિગતો આપવાથી વોટર્સને વેરિફિકેશન માટે અન્ય ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાની જરૂર રહેતી નથી અને તે માત્ર એસઆઈઆર પ્રોસેસ પૂરતું જ સીમિત છે. પંચે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ડિક્લેરેશન ફોર્મથી વોટર્સને પ્રક્રિયામાં ભારે રાહત મળશે અને તે વોટર્સની સહાયતા માટેનું એક પગલું છે.

આ સમગ્ર વિવાદ સામે આવતા પંચે સ્પષ્ટતા કરી છે કે એસઆઈઆર સંબંધિત તમામ નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા હતા અને ફાઈલો પર સંબંધિત અધિકારીઓની સહીઓ પણ મોજૂદ છે. પંચે કોર્ટમાં એમ પણ રજૂઆત કરી હતી કે આ અરજી માત્ર એક અખબારી અહેવાલના આધારે દાખલ કરવામાં આવી છે અને કાયદાની નજરમાં અખબારી અહેવાલ પુરાવા તરીકે ગણી શકાય નહીં. મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ કરતી આ અરજી પણ ટકી શકે તેમ નથી, કારણ કે તેમને હટાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના જજ જેવી જ જટિલ હોય છે.

LATEST ARTICLES