JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકાના પૂર્વ જનરલની ચેતવણી, ઇરાન ખતરનાક રીતે ન્યૂક્લિયર પ્રોગ્રામ ફરી બનાવી રહ્યું છે

Oct 26, 2026 | 23:00 | By JAMNAGAR MIRROR
અમેરિકાના પૂર્વ જનરલની ચેતવણી, ઇરાન ખતરનાક રીતે ન્યૂક્લિયર પ્રોગ્રામ ફરી બનાવી રહ્યું છે
અમેરિકા અને ઇઝરાયેલના હુમલા છતાં ઇરાન તેના ન્યૂક્લિયર અને મિસાઈલ પ્રોગ્રામને ઝડપથી ફરી શરૂ કરી રહ્યું છે. સેટેલાઇટ તસવીરોમાં ઇરાન દ્વારા ભૂગર્ભ સુવિધાઓ અને બંકરો મજબૂત બનાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે.

અમેરિકા અને ઇઝરાયેલના હવાઈ હુમલાઓ છતાં ઇરાન તેના ન્યૂક્લિયર અને બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામને ફરીથી બેઠો કરવા માટે આક્રમક રીતે કામ કરી રહ્યું છે. અમેરિકાના રિટायર્ડ ફોર-સ્ટાર જનરલ જેક કેને ચેતવણી આપી છે કે ઇરાને તેની મહત્ત્વાકાંક્ષાઓ છોડી નથી અને તે પોતાની ક્ષમતાઓ પાછી મેળવવા માટે મક્કમ છે. તેમણે ઇરાની શાસનને ડાયબોલિકલ ગણાવતા કહ્યું કે આ શાસન માટે પરમાણુ હથિયારો જ સર્વસ્વ છે અને તે કોઈપણ ભોગે પોતાના હથિયારોનો ભંડાર ફરીથી તૈયાર કરવા માંગે છે.

સામે આવેલી સેટેલાઇટ તસવીરો પરથી સ્પષ્ટ થયું છે કે નતાન્ઝ ન્યૂક્લિયર સાઈટ પાસે આવેલા પિકએક્સ માઉન્ટેન કોમ્પ્લેક્સમાં ભારે બાંધકામ ચાલી રહ્યું છે. જમીનથી ૩૦૦ ફૂટથી વધુ ઊંડાણમાં બનેલા આ ભૂગર્ભ પ્લાન્ટને સુરક્ષિત કરવા માટે ઇરાને તેની આસપાસ માટીના મોટા ટેકરા અને સુરક્ષા કવચ બનાવ્યા છે જેથી સંભવિત ગ્રાઉન્ડ રેઈડ સામે રક્ષણ મળી શકે. આ ઉપરાંત, જૂન 2025 માં થયેલા હુમલાઓ બાદ ઇરાને તેની ડ્રોન અને મિસાઈલ ફેસિલિટીઝને પણ રિપેર કરીને નવેસરથી મજબૂત બનાવી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી તપાસ અને મોનિટરિંગ સામે પણ ઇરાન અડંગો લગાવી રહ્યું છે, જેના કારણે દુનિયાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. યુએનની ન્યૂક્લિયર વોચડોગ સંસ્થા IAEA એ ઇસ્ફહાન સહિતની પરમાણુ સાઈટ્સ પર પૂરતી માહિતી અને એક્સેસ ન મળવાને કારણે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. IAEA ના વડા રાફેલ ગ્રોસીએ કાયમી અને ચકાસી શકાય તેવા રાજદ્વારી કરારની માંગ કરી છે, જ્યારે ઇરાને સ્પષ્ટ કર્યું છે કે સૈન્ય હુમલામાં નુકસાન પામેલી સાઈટ્સનું ઇન્સ્પેક્શન ખાસ પ્રક્રિયાઓ હેઠળ જ કરવામાં આવશે.

LATEST ARTICLES