અમેરિકાની રાજનીતિમાં હાલ વ્હાઇટ હાઉસની પ્રેસ નીતિઓને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસ પ્રશાસન દ્વારા સીએનએન અને પોલિટિકો જેવા મોટા ન્યૂઝ આઉટલેટ્સના પત્રકારોના પ્રવેશ પર કાપ મૂકવાના નિર્ણય સામે 6 અમેરિકન નાગરિકોએ મોરચો ખોલ્યો છે. ન્યૂ યોર્કની સાઉથર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 26 ઓક્ટોબર 2026ના રોજ રોથ વર્સિસ ટ્રમ્પ નામનો આ મુકદ્દમા દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ કોલંબિયા યુનિવર્સિટીના નાઈટ ફર્સ્ટ અમેન્ડમેન્ટ ઇન્સ્ટિટ્યુટ અને યેલ લો સ્કૂલની ક્લિનિક દ્વારા લડવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ કેસ માત્ર પત્રકારોના અધિકારો પૂરતો સીમિત નથી, પરંતુ જે લોકો સમાચાર વાંચે અને જુએ છે તે સામાન્ય જનતાના બંધારણીય અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ કેસની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈ મીડિયા હાઉસ કે પત્રકાર દ્વારા નહીં, પરંતુ સમાજના જુદા જુદા વર્ગના 6 સામાન્ય નાગરિકો વતી દાખલ કરવામાં આવ્યો છે. આ પ્લેટિફ્સમાં એક હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ, એક મીડિયા વૉચડોગ, ઇતિહાસકાર, સિવિક્સના ટીચર, લીગલ જર્નાલિસ્ટ અને એક સ્ટુડન્ટ જર્નાલિસ્ટ સામેલ છે. નાઈટ ફર્સ્ટ અમેન્ડમેન્ટ ઇન્સ્ટિટ્યુટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જમીલ જાફરે જણાવ્યું હતું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા ફ્રી પ્રેસ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ સીધેસીધો અમેરિકન જનતા પર હુમલો છે. પ્રશાસન પોતાની પસંદગીના રિપોર્ટરોને જ પ્રવેશ આપીને સ્વતંત્ર પત્રકારત્વને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે ગેરબંધારણીય છે. અગાઉ 2018માં પણ કોર્ટે સીએનએનના પત્રકાર જિમ અકોસ્ટાના પ્રેસ ક્રિડેન્શિયલ્સ રદ કરવાના નિર્ણયને ફગાવી દીધો હતો, તેમ છતાં વ્હાઇટ હાઉસ દ્વારા આ પ્રકારે પ્રતિબંધો મૂકવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.
આ કાનૂની લડાઈ પાછળનો મુખ્ય તર્ક એ છે કે વ્હાઇટ હાઉસમાં રિપોર્ટિંગ માટે ફાળવવામાં આવેલી જગ્યાઓ પબ્લિક ફોરમ સમાન છે અને સરકાર પોતાના રાજકીય વિચારો કે રિપોર્ટિંગના સ્વરથી અસંમત હોવાના કારણે કોઈને ત્યાં પ્રવેશતા અટકાવી શકે નહીં. કેસના એક પ્લેટિફ અને સિવિક્સ ટીચર લેરી રોથે કહ્યું હતું કે પત્રકારોને પ્રવેશ ન મળવાને કારણે સામાન્ય જનતા સરકારના નિર્ણયો અને પ્રેસિડેન્ટની જવાબદારીઓ વિશે સાચી માહિતી મેળવી શકતી નથી.
હાલ આ કેસ ન્યૂ યોર્કની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પેન્ડિંગ છે. પ્લેટિફ્સે કોર્ટમાં માંગ કરી છે કે માત્ર વિચારો કે રિપોર્ટિંગના કારણે પત્રકારોના પાસ કે પ્રવેશ રદ કરવા પર કાયમી રોક લગાવવામાં આવે. બીજી તરફ, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને વ્હાઇટ હાઉસના અધિકારીઓએ અગાઉ એવું બચાવ કર્યો હતો કે પ્રેસિડેન્શિયલ બ્રીફિંગ્સ પ્રેસિડેન્ટના શિડ્યુલ અને જગ્યાની મર્યાદાઓને આધીન હોય છે. આગામી સુનાવણીમાં એ વાત પર ચર્ચા થશે કે એક્ઝિક્યુટિવ બ્રાન્ચ દ્વારા વપરાતી સુવિધાઓ પર ફર્સ્ટ અમેન્ડમેન્ટના નિયમો કેવી રીતે લાગુ પડે છે.
