ગુજરાતમાં હવે નવો પ્લાન્ટ નાખવો હોય કે કોઈ મોટો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ કરવો હોય, તો સરકારની લાંબી અને કંટાળાજનક કાગળની કાર્યવાહીમાંથી છુટકારો મળવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર ઔદ્યોગિક, વાણિજ્યિક અને પ્રોપર્ટી પ્રોજેક્ટ્સના કામમાં સ્પીડ લાવવા માટે એક મોટો અને ઐતિહાસિક સુધારો કરવા જઈ રહી છે. ચર્ચા એવી છે કે ટાઉન પ્લાનિંગ એટલે કે ટીપી વિસ્તારો અને નોટિફાઇડ ઔદ્યોગિક ઝોન હેઠળ આવતા પ્લોટ્સ માટે બિનખેતી એટલે કે એન.એ. ની ફરજિયાત મંજૂરી હવે નાબૂદ કરી દેવામાં આવશે. આ ખાસ નીતિને જાન્યુઆરી 2027માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે જ લાગુ કરવાનો સરકારનો ટાર્ગેટ છે, અને ટૂંક સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે.
સરકારના અંદરના સૂત્રોનું માનીએ તો, અત્યાર સુધી જમીન માટે એન.એ. મંજૂરી લેવાની આખી સિસ્ટમ ખૂબ જ જટિલ અને લાંબી રહી છે. આ કડાકૂટના કારણે મોટા ઔદ્યોગિક પ્લાન્ટ્સ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં મહિનાઓનો વિલંબ થઈ જતો હતો. એટલું જ નહીં, આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અને ગોલમાલ થતી હોવાની ફરિયાદો પણ અવારનવાર સામે આવતી હતી. આ બધી લાલફીતાશાહી અને માથાકૂટને કાયમ માટે ખતમ કરવા માટે આ નિર્ણય ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
જોકે, આ છૂટછાટ આપતા પહેલાં સરકાર કાનૂની અને મહેસૂલી બાબતોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગણોતધારા કે અન્ય મહેસૂલી કાયદાઓમાં ફસાયેલી વિવાદાસ્પદ જમીનોને આ એન.એ. મુક્તિનો ફાયદો નહીં મળે. આ ઉપરાંત, નાના-મોટા કારણોસર જે જમીનો સરકાર હસ્તક ગઈ છે તેને પણ આ દાયરાની બહાર રાખવામાં આવશે. કોઈ નવો કાયદાકીય વિવાદ ઊભો ન થાય તે માટે સરકાર આગામી દિવસોમાં આવનારા નોટિફિકેશનમાં આ બધી બાબતોની સ્પષ્ટ ચોખવટ પણ કરી દેશે.
ટીપી વિસ્તારોમાં અલગથી એન.એ. કરાવવાની માથાકૂટ બંધ થવાથી બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને મોટા ઇન્વેસ્ટર્સ પરનો વહીવટી બોજ હળવો થઈ જશે. ખાસ કરીને હોસ્પિટલો, મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મોલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સના કામ હવે ખૂબ જ સ્પીડથી આગળ વધી શકશે. સરકાર દ્વારા ટૂંક સમયમાં જ એક ઔપચારિક નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેમાં આ મુક્તિ માટેની શરતો અને પ્રોજેક્ટ શરૂ કરવા માટે કઈ-કઈ વૈધાનિક મંજૂરીઓ લેવી પડશે તેની આખી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. વાઈબ્રન્ટ સમિટ પહેલાં જો આ મોટો સુધારો જમીન પર ઉતરી જશે, તો ગુજરાતમાં બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવાનો માર્ગ એકદમ સરળ બની જશે.
