રાજકોટવાસીઓ માટે અત્યારે સૌથી મોટી ચિંતા જો કોઈ હોય, તો તે પાણીની હતી. શહેરના મુખ્ય જળાશયો એવા આજી-1 અને ન્યારી-1 ડેમનું પાણી તળિયાઝાટક થવાના આરે પહોંચી ગયું હતું. હાલની સ્થિતિ એવી હતી કે શહેર પાસે માંડ 15 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બાકી બચ્યો હતો. નળમાં પાણી આવવાની અનિયમિતતા અને ભવિષ્યના પાણીકાપની બીકે લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ખાસ કરીને તહેવારોની મોસમ નજીક હોય ત્યારે પાણી જેવી પાયાની જરૂરિયાત માટે ફાફાં મારવા પડે તેવી કપરી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ હવે રાજકોટવાસીઓ માટે રાહતના અને આનંદના મોટા સમાચાર સામે આવ્યા છે.
આ વિકટ પરિસ્થિતિમાં નર્મદા મૈયા રાજકોટવાસીઓ માટે તારણહાર બનીને આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સમયસર લેવાયેલા નિર્ણયના ભાગરૂપે સૌની યોજના હેઠળ રાજકોટના મુખ્ય જળાશયોમાં નર્મદાનું પાણી ઠલવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્લાનિંગ મુજબ આગામી બુધવાર કે ગુરુવારથી જ આજી-1, ન્યારી-1 અને ભાદર ડેમમાં નર્મદા નીરની વિધિવત પધરામણી શરૂ થઈ જશે. તરસ્યા ડેમોમાં નર્મદાના પાણી ઠલવાતાની સાથે જ શહેર પર તોળાઈ રહેલું પાણીનું મોટું સંકટ દૂર થઈ જશે અને લોકોને મોટી રાહત મળશે.
પાણીના આ નવા જથ્થાના આગમનના સમાચારથી રાજકોટવાસીઓમાં દીવાળી જેવો માહોલ છવાઈ ગયો છે. અગાઉ માત્ર 15 દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું હોવાથી જે ચિંતાનો માહોલ હતો, તે હવે ઉત્સાહમાં ફેરવાઈ ગયો છે. સરકારની આ સક્રિયતા અને સમયસરના આયોજનને કારણે હવે લોકોને પાણીકાપની અસહ્ય પજવણી વેઠવી નહીં પડે. ટૂંક સમયમાં જ નર્મદાના નીર આજી-1 અને ન્યારી-1 ડેમ સુધી પહોંચી જશે, જેથી આગામી દિવસોમાં પાણીની કોઈ અછત નહીં વર્તાય અને લોકો નિશ્ચિંતીથી પોતાના તહેવારો ઉજવી શકશે.
