JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

સુરતમાં હૃદયદ્રાવક દુર્ઘટના, રમતા-રમતા પાણીના ટબમાં ડૂબી જતાં 11 મહિનાની માસૂમ દીકરીનું મોત

Oct 26, 2026 | 18:25 | By JAMNAGAR MIRROR
સુરતમાં હૃદયદ્રાવક દુર્ઘટના, રમતા-રમતા પાણીના ટબમાં ડૂબી જતાં 11 મહિનાની માસૂમ દીકરીનું મોત
અલથાણ વિસ્તારમાં બનેલી આ કરુણ ઘટનાએ સૌની આંખો ભીની કરી દીધી છે. ઘરમાં રમતી માસૂમ બાળકી અચાનક બાલ્કનીમાં રાખેલા પાણીના ટબમાં પડી જતાં તેનું મોત નીપજ્યું હતું, જેના કારણે હસતા-રમતા પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે.

સુરત શહેરના અલથાણ વિસ્તારમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન અને કાળજું કંપાવનારી એક દુખદ ખબર સામે આવી છે. અલથાણના લક્ષ્મી હોમ્સમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની મનોહરસિંગના પરિવારમાં ખુશીઓનો માહોલ અચાનક જ શોકમાં ફેરવાઈ ગયો છે. બન્યું એમ કે, તેમની માત્ર 11 મહિનાની માસૂમ દીકરી ઘરમાં રમતા-રમતા અચાનક બાલ્કનીમાં પહોંચી ગઈ હતી. ત્યાં પાણી ભરેલું એક ટબ મૂકેલું હતું, જેમાં રમતા-રમતા અજાણતા જ બાળકીનું મોઢું પાણીમાં ડૂબી ગયું અને આ ભયાનક દુર્ઘટના સર્જાઈ ગઈ.

જ્યારે પરિવારની નજર બાળકી પર પડી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બેભાન હાલતમાં પાણીના ટબમાં પડેલી માસૂમને પરિવારજનો તાત્કાલિક બહાર કાઢીને સત્વરે નવી સિવિલ હોસ્પિટલ દોડાવ્યા હતા. પરંતુ, હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરોએ તપાસ કરીને માસૂમ બાળકીને મૃત જાહેર કરી હતી. જે ઘરના આંગણે થોડીવાર પહેલાં દીકરીના કિલકારા ગુંજતા હતા, ત્યાં અચાનક જ આભ તૂટી પડ્યું હતું. આ કરુણ બનાવને પગલે માત્ર પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે અને સૌની આંખો નામ થઈ ગઈ છે.

નાના બાળકોનો સ્વભાવ ખૂબ જ જિજ્ઞાસુ હોય છે અને તેઓ ઘરમાં ગમે ત્યાં પહોંચી જતા હોય છે. આ દર્દનાક કિસ્સો તમામ વાલીઓ માટે એક મોટી ચેતવણી સમાન છે. ઘરમાં કે બાલ્કનીમાં ક્યારેય પણ પાણી ભરેલા ટબ, ડોલ કે ખુલ્લા કન્ટેનર વણઢાંક્યા ન રાખવા જોઈએ. નાની એવી અસાવધાની પણ બાળકોના જીવન માટે કેટલી ઘાતક સાબિત થઈ શકે છે, તેનો આ અસહ્ય અને વસમો અનુભવ આ પરિવારને જીવનભરનું દુઃખ આપી ગયો છે.

LATEST ARTICLES