બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને કોઈપણનું હૈયું કંપારી જાય. થરાદના રેફરલ ત્રણ રસ્તા પાસે આવેલા શિવ શક્તિ કોમ્પ્લેક્સમાં ફર્નિચરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન રોજીરોટી કમાવવા માટે મજૂરી કામ અર્થે આવેલા એક યુવક પર કુદરતે કાળો કહેર વર્તાવ્યો હતો. મૂળ રાજસ્થાનના વતની અને થરાદ ખાતે સુથારી કામ માટે રોકાયેલા 28 વર્ષીય પ્રકાશ પ્રજાપતિ આ કોમ્પ્લેક્સમાં ફર્નિચર અને ઇલેક્ટ્રિકને લગતું કામ કરી રહ્યા હતા. તે જ સમયે અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જવાથી કે કરંટ અડકી જવાથી આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી અને તેમને જીવલેણ વીજ કરંટ લાગ્યો હતો.
વીજ કરંટનો આંચકો એટલો જોરદાર હતો કે યુવક તક્ષણ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને નીચે બેભાન થઈને ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક વેપારીઓ દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બાદમાં તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ યુવકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે હોસ્પિટલ પરિસરમાં પણ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને આખી ઘટનાથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા અને બે સમયની રોટી કમાવવા માટે દૂરના રાજસ્થાનથી ગુજરાત આવેલા આ યુવાનના અચાનક અને આકસ્મિક અવસાનના સમાચાર જ્યારે તેના વતન પહોંચ્યા, ત્યારે પરિવાર પર દુઃખનો આભ તૂટી પડ્યો હતો. યુવકના ઘરના સભ્યોની રડારોળથી હૈયાફાટ રૂદન સર્જાયું હતું. એક તરફી અકસ્માતે યુવાન દીકરો છીનવી લેતા સ્વજનો શોકમાં ડૂબી ગયા છે, તો બીજી તરફ સમગ્ર થરાદ પંથકમાં આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
