દિલ્હીના લોકો માટે હવે વીકેન્ડ કે રજાના દિવસે ફરવા માટે વધુ એક શાનદાર જગ્યા મળી ગઈ છે. દિલ્હી સરકાર ટૂંક સમયમાં જ છઠ પર્વ અગાઉ યમુના નદીમાં બોટ રાઈડ શરૂ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હીવાસીઓ પહેલીવાર યમુના નદીમાં રિવર સફારીનો આનંદ માણી શકશે. આ સફર સોનિયા વિહારથી શરૂ થઈને જગતપુર સુધી જશે, જેનું કુલ અંતર 5 કિલોમીટરનું રહેશે. આ આખી સફર આશરે 40 મિનિટની હશે, જેમાં બેસીને પરિવાર સાથે નદીના કુદરતી નજારા માણી શકાશે.
આ બોટ રાઈડની સૌથી મોટી ખાસિયત એ છે કે મુસાફરોને ગરમી કે પરસેવાથી હેરાન નથી થવું પડે, કારણ કે આ બોટની અંદર એર-કન્ડિશન્ડ રૂમની સુવિધા ઉપલબ્ધ છે. એકસાથે 30 પેસેન્જરો આરામથી આ ક્રૂઝમાં સફર કરી શકશે. સરકારનો હેતુ એ છે કે રાજધાનીના લોકોને પ્રદૂષણ અને ભાગદોડ ભરેલી જિંદગીમાંથી થોડો રાહતનો શ્વાસ મળે અને પરિવાર સાથે સારો સમય વિતાવી શકાય. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાતે આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું છે અને તેને દિલ્હીના પરિવારો માટે એકદમ નવો અને યાદગાર મનોરંજક અનુભવ ગણાવ્યો છે.
આ પ્રોજેક્ટથી દિલ્હીમાં ટૂરિઝમને પણ મોટો વેગ મળવાની પૂરી આશા છે. માત્ર 500 રૂપિયાના સામાન્ય ખર્ચમાં લોકોને ક્રૂઝ જેવી લક્ઝરી સુવિધા મળવાની હોવાથી સોશિયલ મીડિયા પર પણ આ સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને લોકોમાં આ સરકારી પહેલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છઠ પૂજાના પવિત્ર અવસર પહેલાં જ આ સુવિધા શરૂ થઈ જવાની હોવાથી દિલ્હીવાસીઓ માટે આ એક પ્રકારની દિવાળી કે છઠની મોટી ભેટ સમાન બની રહેશે.
