JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં એક જ સપ્તાહમાં આપઘાતના પાંચ બનાવોથી હાહાકાર, આર્થિક સંકડામણ અને ટેન્શને લીધા પાંચ જીવ

Oct 26, 2026 | 17:20 | By JAMNAGAR MIRROR
જામનગરમાં એક જ સપ્તાહમાં આપઘાતના પાંચ બનાવોથી હાહાકાર, આર્થિક સંકડામણ અને ટેન્શને લીધા પાંચ જીવ
જામનગર શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોમાં આપઘાતની ઘટનાઓ વધી ગઈ છે. નાણાકીય લેતીદેતીનું ટેન્શન, આર્થિક તંગી, પારિવારિક વિવાદ અને કૌટુંબિક ઝઘડાને કારણે બે પ્રૌઢ અને બે યુવાન તેમજ એક પરિણીતાએ મોતને વ્હાલું કર્યું છે, જેના કારણે ચકચાર મચી ગઈ છે.

જામનગર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી આપઘાતની ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક જ સપ્તાહમાં જુદા-જુદા કારણોસર પાંચ લોકોએ જિંદગી ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નાની-નાની બાબતોમાં કે આર્થિક સંકટમાં લોકો કઈ હદ સુધી પગલું ભરી લે છે, તેની સાક્ષી આ તમામ ઘટનાઓ પૂરે છે.

પ્રથમ ઘટના રણજીતસાગર રોડ પર બની હતી, જ્યાં અશોક વાટીકા વિસ્તારમાં રહેતા 52 વર્ષના ગીરધરભાઈ તારપરા નામના પ્રૌઢે શનિવારે સાંજે ઝેરી દવા પી લીધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પરિવારના જણાવ્યા અનુસાર, બ્રાસપાર્ટના ધંધાની લેતીદેતી તેમજ ભંગારના વ્યવહારને લઈને કેટલાક લોકો દ્વારા ઉઘરાણીનું દબાણ કરવામાં આવ્યું હતું અને ચેક રીબાઉન્ડ થવાના મામલે કોર્ટમાં કેસ પણ થયો હતો. આ માનસિક તાણ સહન ન થવાથી તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે આ મામલે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સિવાય નાગેશ્વર કોલોનીમાં રહેતા 42 વર્ષના હિતેશભાઈ પરમાર નામના યુવાને પણ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ભારે ડિપ્રેશનમાં આવીને પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનાથી પરિવાર પર દુભૅગ્યનો પહાડ તૂટી પડ્યો છે. બીજી તરફ, જામજોધપુરના જામવાડી ગામે મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના 24 વર્ષના કિશનભાઈ અજનાર નામના શ્રમિકે ખેતરના કૂવામાં ઝંપલાવી દીધું હતું. તપાસમાં બહાર આવ્યું કે કિશનભાઈ કોઈ અન્ય યુવતી સાથે વાત કરતા હતા, જે બાબતે પત્ની સાથે ઝઘડો થતા આવેશમાં આવીને તેમણે કૂવામાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો.

આ ઉપરાંત સોગઠી ગામમાં મજૂરી કરતા શ્રમિકની 20 વર્ષના પત્ની શીતલબેન વસુનીયાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું, જેની તપાસ શેઠવડાળા પોલીસ કરી રહી છે. હાપા વિસ્તારમાં પણ રેલવેના એક કર્મચારી દ્વારા આત્મહત્યા કરવામાં આવ્યાનું સામે આવ્યું છે, જેમાં મૃતકના સ્વજનોએ ઉચ્ચ અધિકારીઓના ત્રાસનો ગંભીર આક્ષેપ કર્યો છે. એક પછી એક બનેલી આ કરુણ ઘટનાઓએ પરિવારજનોને વલોવી નાખ્યા છે અને પોલીસ દરેક મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

LATEST ARTICLES