દિવાળીના તહેવારો હજુ માંડ શરૂ થઈ રહ્યા છે ત્યાં જ ગુનેગારો પણ સક્રિય થઈ ગયા છે. સૌરાષ્ટ્રભરમાં તહેવારો ટાણે આંગડિયા પેઢીઓ અને વેપારીઓને ટાર્ગેટ કરીને કોઈ મોટી લૂંટ કે ધાડ પાડી શકાય તે માટે બહારના રાજ્યોમાંથી આવેલી એક સશસ્ત્ર ગેંગને રાજકોટ શહેર એસઓજીની ટીમે ફિલ્મીઢબે ઝડપી પાડી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી એક શંકાસ્પદ એક્સયુવી કાર નંબર એમએચ-06-બીઈ-3165 માં કેટલાક ગુનેગારો કોઈ ગંભીર ગુનાને અંજામ આપવા માટે રાજકોટ તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે કુવાડવા ગામ પાસે આવેલી વાંકનેર ચોકડી નજીક વોચ ગોઠવીને ગાડીને આંતરી લીધી હતી અને તલાશી લેતા અંદર બેઠેલા શખ્સો પાસેથી જીવલેણ હથિયારો મળી આવ્યા હતા.
પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું કે આ ગેંગ ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રના રીઢા અપરાધીઓની બનેલી છે. પકડાયેલા આરોપીઓમાં જાકીરઅલી લીયાકતઅલી (ઉ.વ. 55, રહે. પ્રતાપગઢ, યુપી), રંજનકુમારસિંહ ફિરંગીસિંહ રાજપુત (ઉ.વ. 52, રહે. પશ્ચિમ ચંપારણ, બિહાર), સૈયદુદિન નજજીમીયા અંસારી (ઉ.વ. 51, રહે. મહારાજ ગંજ, યુપી), મહમદ શાહબાઝ શેખ (ઉ.વ. 31, મૂળ યુપી, હાલ રહે. મુંબઈ) અને સંજય સૂર્યનારાયણ સિંગ રાજપુત (ઉ.વ. 48, રહે. થાણે, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે. આ તમામ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, છરી, બેઝબોલનો ધોકો અને કાર મળીને કુલ 5.61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર મહેબૂબ (રહે. પ્રતાપગઢ, યુપી) પોલીસ પકડથી દૂર ફરાર થઈ ગયો છે જેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે સુરતના એક શખ્સે આ ગેંગને ચોક્કસ ટીપ આપી હતી. જેના આધારે આ ટોળકીએ સૌરાષ્ટ્રના જામનગર અને જૂનાગઢ તરફ જઈને ત્યાંની આંગડિયા પેઢીઓના કર્મચારીઓ અથવા રોકડ લઈને જતા વેપારીઓની રેકી કરીને તેમને રસ્તામાં લૂંટી લેવાનો પાકો પ્લાન બનાવ્યો હતો. આ પકડાયેલા ગુનેગારોનો રેકોર્ડ પણ એટલો જ ખતરનાક છે. ખાસ કરીને બિહારના રંજનકુમારસિંહ સામે લૂંટ, ધાડ, હત્યાનો પ્રયાસ અને એનડીપીએસ એક્ટ હેઠળ 9 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે સૈયદુદિન અંસારી અને જાકીરઅલી સામે પણ ખૂનની કોશિશ અને મારામારી જેવા ગંભીર ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે. રાજકોટ પોલીસની સતર્કતા અને સમયસૂચકતાને કારણે એક મોટો લૂંટનો બનાવ બનતા અટક્યો છે અને તહેવારો ટાણે જ પોલીસની આ મોટી કામગીરીથી ગુનાખોરી આચરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
