રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના ખેરડી (ખેરાળા) ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને કોઈપણની આંખ ભીની થઈ જાય. ગામમાં જ રહીને અભ્યાસ કરતી અને ભણવામાં હોશિયાર એવી 16 વર્ષીય ધોરણ 11 ની વિદ્યાર્થિની ફુલજર કીર્તિ બીજલભાઇએ કોઈ અગમ્ય કારણોસર પોતાની જિંદગીનો આ રીતે અંત લાવવાનું પગલું ભરી લીધું હતું. કીર્તિએ ઘરમાં જ અચાનક કોઈ ઝેરી દવા પી લેતા તેની તબિયત લથડી હતી, જેના કારણે પરિવારમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટના બન્યાની સાથે જ પરિવારજનોએ સમય બગાડ્યા વગર કીર્તિને તાત્કાલિક મોઢુકા અને ત્યારબાદ વધુ સારવાર માટે જસદણ ખાતે હોસ્પિટલ ખસેડી હતી. જોકે, ઝેરની અસર એટલી ગંભીર હતી કે જસદણ ખાતે પણ તબિયતમાં કોઈ સુધારો ન દેખાતા ડૉક્ટરોની સલાહ મુજબ તેને તાકીદે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી. રાજકોટની હોસ્પિટલના બિછાને આ દીકરીએ પૂરા 8 દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે જબરદસ્ત જંગ લડ્યો, પરંતુ આખરે કાળનો ભેટો થઈ ગયો અને સારવાર દરમિયાન જ કીર્તિએ અંતિમ શ્વાસ લીધા હતા.
આ કરુણ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ અંકબંધ છે, પરંતુ આ અણધારી આફતે એક સામાન્ય શ્રમિક પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે. મૃતક કીર્તિના પિતા બીજલભાઇ ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને કીર્તિ પોતાના 2 બહેન તથા 1 ભાઈમાં સૌથી મોટી દીકરી હતી. ઘરની મોટી અને આશાસ્પદ દીકરી આમ અચાનક દુનિયા છોડીને ચાલી જતાં પિતા અને આખા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
