JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ટાઈગર શ્રોફ પર હુમલો કરવા રાધા અને બબીતાએ આરોપીઓને આપી હતી ઝિગાના પિસ્તોલ અને 20 કારતુસ

Oct 26, 2026 | 17:15 | By JAMNAGAR MIRROR
ટાઈગર શ્રોફ પર હુમલો કરવા રાધા અને બબીતાએ આરોપીઓને આપી હતી ઝિગાના પિસ્તોલ અને 20 કારતુસ
બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હથિયાર પહોંચાડનારી રાધા અને બબીતા નામની બે મહિલાઓ દાદરની હોટલમાં રોકાઈ હોવાનું સામે આવ્યું છે, જ્યારે પોલીસ હવે આ ગંભીર ષડયંત્રના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મુંબઈના જાણીતા અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારના મામલામાં હવે એક પછી એક ચોંકાવનારી કડીઓ બહાર આવી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી-એક્સટોર્શન સેલ દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, જેમાં તાજેતરમાં એવો ખુલાસો થયો છે કે સોનીપતથી હથિયારો લઈને આવેલી બે મહિલાઓ રાધા અને બબીતા દાદર રેલવે સ્ટેશન નજીક આવેલા ‘રોયલ રેસ્ટ હાઉસ’માં રોકાઈ હતી. પોલીસે આ મામલે રેસ્ટ હાઉસમાંથી સીસીટીવી ફૂટેજ, એન્ટ્રી રજિસ્ટર અને આધાર કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો કબ્જે કરી લીધા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને મહિલાઓ 17 ઓક્ટોબરે આ રેસ્ટ હાઉસમાં પહોંચી હતી અને તેમના માટે પહેલા માળ પર રૂમ બુક કરવામાં આવ્યો હતો, જેનું દૈનિક ભાડું રુપિયા 600 હતું અને એડવાન્સમાં રુપિયા 500 ચૂકવાયા હતા.

પોલીસની અત્યાર સુધીની તપાસ મુજબ આ બંને મહિલાઓ સોનીપતથી મુંબઈ આવી હતી અને તેમની પાસે એક વાદળી બેગ હતી જેમાં તુર્કીમાં બનેલી અત્યાધુનિક ‘ઝિગાના’ પિસ્તોલ તેમજ દેશી બનાવટની પિસ્તોલ અને 20 જીવતા કારતુસ હતા. આ હથિયારો અને દારૂગોળો તેમણે એક સગીર છોકરાને સોંપ્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે, સૌથી મોટો સવાલ એ છે કે શું આ મહિલાઓને ખબર હતી કે તેઓ જીવલેણ હથિયારો હેન્ડલ કરી રહી છે, કે પછી તેમને કોઈ અજાણતા જ મોટા ષડયંત્રમાં મોહરા તરીકે ઉપયોગમાં લેવામાં આવી હતી? બબીતાએ પોલીસ સમક્ષ દાવો કર્યો છે કે તેઓ તો માત્ર મુંબઈ ફરવા અને સિદ્ધિવિનાયક, મુમ્બા દેવી તથા સ્વામિનારાયણ જેવા મંદિરોમાં દર્શન કરવા આવી હતી. આ મહિલાઓ રેસ્ટ હાઉસમાં રોકાઈને મંદિરોમાં ફરી હતી અને બાદમાં કુર્લાથી ‘હરિદ્વાર મેલ એક્સપ્રેસ’ ટ્રેનમાં બેસીને મુંબઈથી રવાના થઈ ગઈ હતી.

આ કેસની ગંભીરતાને જોતાં પોલીસ કોઈ કસર છોડવા માંગતી નથી. ક્રાઈમ બ્રાન્ચે રેસ્ટ હાઉસ અને આસપાસના વિસ્તારમાંથી 20થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરીને આખો ઘટનાક્રમ જોડવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ એ પણ શોધી રહી છે કે આ મહિલાઓ મુંબઈમાં કોને મળતી હતી અને તેમના રોકાણ માટે પાછળથી કોણે લોજ કે રૂમની વ્યવસ્થા કરી હતી, કારણ કે શંકા છે કે કોઈ સ્થાનિક રહેવાસી આ સમગ્ર પ્લાન સાથે જોડાયેલો હોઈ શકે છે. આ મામલાની સત્યતા ચકાસવા માટે પોલીસ ટૂંક સમયમાં જ બંને મહિલાઓને ફરીથી ઘટનાસ્થળે લઈ જઈને સીન રીકન્સ્ટ્રક્શન કરવાની પણ યોજના બનાવી રહી છે. હાલ તો તમામ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને ટાઈગર શ્રોફની કાર પર થયેલા આ હુમલા પાછળ કોનો હાથ છે તે આગામી સમયમાં જ સ્પષ્ટ થશે.

LATEST ARTICLES