સોશિયલ મીડિયાની દુનિયામાં રાજ કરતી કંપની મેટાએ પોતાના રોકાણકારો માટે એક બહુ મોટું અને ચોંકાવનારું એલાન કર્યું છે. કંપનીના બોસ માર્ક ઝુકરબર્ગે પોતાની સંપત્તિ અને ટેક્સ બિલને ધ્યાનમાં રાખીને એક નવો માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ પ્લાન હેઠળ કંપની પોતાના તમામ શેરહોલ્ડર્સને એક નવું સ્ટ્રક્ચર આપી રહી છે, જેમાં દરેક શેરહોલ્ડરને તેમની પાસે રહેલા દરેક ક્લાસ A અથવા B શેરના બદલામાં એક નવો ક્લાસ C શેર બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે. આ ચાલથી માર્ક ઝુકરબર્ગ કંપની પર પોતાની પકડ અને વોટિંગ પાવર મજબૂત રાખી શકશે.
આગામી સમયમાં ટેક્નોલોજીની દુનિયામાં ખાસ કરીને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં હરીફાઈ વધી રહી છે ત્યારે મેટા કોઈ પાછળ રહેવા માંગતી નથી. આ નવી શેર વ્યવસ્થાથી કંપનીને કેપિટલ વધારવાની નવી તકો મળશે, જેથી ભવિષ્યમાં બીજી મોટી કંપનીઓને ખરીદી શકાય અથવા નવી ટેકનોલોજી ડેવલપ કરી શકાય. આ ઉપરાંત, કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પણ આનાથી મોટું વળતર અને પ્રોત્સાહન આપી શકાશે, જેથી ટેલેન્ટેડ સ્ટાફ કંપની સાથે જોડાયેલો રહે.
મેટાના આ નવા ક્લાસ C શેર માર્કેટમાં ક્યારે આવશે તેની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. મળેલી જાણકારી મુજબ આ નવા શેરનું માર્કેટમાં ટ્રેડિંગ આગામી 19 જાન્યુઆરી 2027થી સત્તાવાર રીતે શરૂ થઈ જશે. માર્ક ઝુકરબર્ગનું આ પગલું માત્ર કંપનીની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે જ નહીં, પરંતુ ટેક વર્લ્ડમાં મેટાનું વર્ચસ્વ લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે એક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. વોલ સ્ટ્રીટથી લઈને સામાન્ય રોકાણકારો પણ આ નવા ફેરફાર પર પોતાની નજર દોડાવી રહ્યા છે.
