JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પબ્લિક મીડિયાની આઝાદી ખતરામાં છે! ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં હજારો લોકો સરકાર સામે રસ્તા પર ઉતર્યા

Oct 26, 2026 | 10:35 | By JAMNAGAR MIRROR
પબ્લિક મીડિયાની આઝાદી ખતરામાં છે! ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં હજારો લોકો સરકાર સામે રસ્તા પર ઉતર્યા
ચેક સરકાર દ્વારા પબ્લિક ટીવી અને રેડિયોના ફંડિંગમાં ફેરફાર કરવાના વિરોધમાં પ્રાગ શહેરમાં હજારો નાગરિકો એકઠા થયા હતા. વિરોધીઓનું માનવું છે કે સરકારી ફંડિંગથી મીડિયાની સ્વતંત્રતા પર રાજકીય દબાણ વધશે અને નાણાકીય સ્થિરતા જોખમાશે. આગામી સમયમાં આ વિરોધ વધુ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે.

સામાન્ય રીતે લોકશાહીમાં મીડિયાને ચોથો સ્તંભ માનવામાં આવે છે, પણ જ્યારે તેની જ આઝાદી પર કાપ મૂકવાની વાત આવે ત્યારે જનતા ચૂપ બેસી રહેતી નથી. આવું જ કંઈક યુરોપના દેશ ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં જોવા મળ્યું છે. અહીંની સરકાર પબ્લિક ટેલિવિઝન અને રેડિયોના ફંડિંગના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે, જેના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનમાં લોકોએ એક જ સૂરમાં સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી કે હવે બહુ થયું, પબ્લિક મીડિયાને સરકારના હાથની કઠપૂતળી બનવા દેવામાં આવશે નહીં.

વિવાદની શરૂઆત સરકારના એક નવા પ્રસ્તાવથી થઈ છે. આ યોજના મુજબ, અત્યાર સુધી પબ્લિક મીડિયાને મળતી લાઈસન્સ ફીની સિસ્ટમ બંધ કરીને તેને સીધી સ્ટેટ બજેટમાંથી ફંડ આપવાની વાત છે. મીડિયા અસેશિયનો અને ટીકાકારોનું કહેવું છે કે જો આ રીતે સરકારી તિજોરીમાંથી ફંડિંગ મળશે, તો પ્રસારણકર્તાઓ સીધા રાજકીય દબાણ હેઠળ આવી જશે. તેનાથી તેમની નાણાકીય સ્થિરતા તો જોખમાશે જ, સાથેસાથે મીડિયાની નિષ્પક્ષતા પણ ખતમ થઈ જશે. જનતા ઈચ્છે છે કે તેમનું મીડિયા સરકારના નહીં, પણ સતતના પક્ષમાં કામ કરે.

આ મામલો હવે શાંત પડવાના બદલે વધુ ગરમાઈ રહ્યો છે. પબ્લિક મીડિયાના કર્મચારીઓએ સરકારને ચેતવણી આપતા આગામી 3 નવેમ્બરના રોજ હડતાલ પર જવાની જાહેરાત કરી દીધી છે. એટલું જ નહીં, આ લડાઈને વધુ મજબૂત કરવા માટે આગામી 15 નવેમ્બરે પ્રાગમાં આનાથી પણ મોટું વિરોધ પ્રદર્શન યોજવાનું આયોજન થઈ રહ્યું છે. જનતા અને કર્મચારીઓનો આ જોશ જોઈને સ્પષ્ટ થાય છે કે સરકાર માટે પોતાના આ નિર્ણય પર આગળ વધવું એટલું સહેલું નહીં રહે.

LATEST ARTICLES