માત્ર 5000 રૂપિયાની લાલચ માણસને ક્યાં સુધી પહોંચાડી દે છે, તેની જીવતી જાગતી સાબિતી મોરબીમાંથી સામે આવી છે. અહીં ગેરેજમાં મજૂરીકામ કરતા એક સામાન્ય યુવકના નામનું બેંક એકાઉન્ટ વાપરીને સાયબર ઠગ્સોએ અંદાજે રૂ.3,49,61,073 જેટલી માતબર રકમની હેરાફેરી કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગાંધીનગરના સાયબર ક્રાઈમ સેલ તરફથી મળેલી ઓનલાઈન ફરિયાદોના આધારે મોરબી પોલીસે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી ત્યારે કૌભાંડના એક પછી એક ચોંકાવનારા પડો ઉઘડેલા જોવા મળ્યા હતા.
આ સમગ્ર ખેલની શરૂઆત થઈ મોરબીના શનાળા રોડ પર આવેલી ડીસીબી બેંકના એકાઉન્ટથી. રાજસ્થાન અને ગુજરાતના નાગરિકો સાથે થયેલી છેતરપિંડી અંગે 'SAMANVAYA' અને 'NCCRP' પોર્ટલ પર ફરિયાદો નોંધાઈ હતી. મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના PSI અશોક શુક્લાની ટીમે જ્યારે આ બેંક ખાતાની કુંડળી કઢાવી, ત્યારે તે વિજયનગર રોડ પર સનરાજ પાર્કમાં રહેતા અને ગેરેજમાં મજૂરી કરતા ભાવેશ વઘોરાના નામનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ભાવેશની કડકાઈથી પૂછપરછ કરી તો તેણે કબૂલ્યું કે તેને પૈસાની તાતી જરૂર હોવાથી તેના મિત્ર જીતેન્દ્રભાઈ ચાવડાના કહેવાથી આ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું અને આખા એકાઉન્ટની કીટ જીતેન્દ્રને સોંપી દીધી હતી, જેના બદલામાં તેને માત્ર રૂ.5000 મળ્યા હતા.
પોલીસે તુરંત જ વચેટિયા એવા જીતેન્દ્ર ચાવડાની અટકાયત કરીને પૂછપરછ કરતાં કૌભાંડની વધુ કડીઓ બહાર આવી હતી. જીતેન્દ્રએ આ બેંક એકાઉન્ટ પોતાના પરિચિત નિલેશ કાસુન્દ્રા નામના શખ્સને રૂ.15,000ના ભાડે વાપરવા આપ્યું હતું. આ ભાડામાંથી જીતેન્દ્રએ રૂ.10,000 પોતાના ખિસ્સામાં મૂકી લીધા અને બાકીના રૂ.5,000 ભાવેશને આપ્યા હતા. પોલીસ તપાસમાં ખૂલ્યું કે આ બેંક એકાઉન્ટમાં થતા તમામ મોટા ટ્રાન્ઝેકશન મૂળ આરોપી નિલેશ કાસુન્દ્રા જ કરતો હતો. નિલેશે પોતાના મળતિયાઓની મદદથી અલગ-અલગ રાજ્યોના નિર્દોષ લોકોને નિશાન બનાવીને આ એકાઉન્ટમાં કરોડો રૂપિયા જમા કરાવ્યા હતા.
આ ઠગોએ આ બેંક ખાતામાં કુલ રૂ.3,49,61,073 જેવી તોતિંગ રકમ મેળવીને બાદમાં તેને UPI ID, IMPS અને RTGS મારફતે અન્ય અલગ-અલગ બેંક એકાઉન્ટમાં તફડાવી લીધી હતી. હાલ તો સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધીને વચેટિયા અને મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે થોડાક રૂપિયાના કમિશન માટે પોતાના બેંક એકાઉન્ટ કે તેની વિગતો અન્ય કોઈને સોંપવી એ સીધેસીધી જેલની સફર નોતરી લાવવા જેવું છે.
