JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

સુપ્રસિદ્ધ મ્યુઝિક બેન્ડ ABBA ના આ ગીતે રચ્યો ઇતિહાસ, UNICEF માટે એકત્ર કર્યા 5 મિલિયન ડોલરથી વધુ ફંડ

Oct 26, 2026 | 10:20 | By JAMNAGAR MIRROR
સુપ્રસિદ્ધ મ્યુઝિક બેન્ડ ABBA ના આ ગીતે રચ્યો ઇતિહાસ, UNICEF માટે એકત્ર કર્યા 5 મિલિયન ડોલરથી વધુ ફંડ
સંગીતની દુનિયામાં ધૂમ મચાવનાર પ્રખ્યાત સ્વીડિશ બેન્ડ ABBA ના સુપરહિટ સોન્ગ 'ચિકિટીટા'એ માનવતાની ખાતર એક મોટું યોગદાન આપ્યું છે. વર્ષ 1979માં રિલીઝ થયેલા આ ગીતે બાળકોની ભલાઈ માટે અત્યાર સુધીમાં 5 મિલિયન ડોલર એટલે કે લાખો રૂપિયાનું ફંડ ભેગું કરી લીધું છે. આ રકમનો ઉપયોગ દુનિયાભરના જરૂરિયાતમંદ બાળકોની સુરક્ષા માટે થાય છે.

જ્યારે પણ સંગીત અને સમાજસેવા બંને હાથ મિલાવે છે, ત્યારે ચમત્કાર સર્જાતો હોય છે. કંઈક આવો જ ચમત્કાર સંગીત જગતના દિગ્ગજ પોપ બેન્ડ ABBA ના પ્રખ્યાત સોન્ગ 'ચિકિટીટા' સાથે જોડાયેલો છે. વાત જાણે એમ છે કે વર્ષ 1979માં જ્યારે આ ગીત રિલીઝ થયું હતું, ત્યારે જ બેન્ડના મેમ્બર્સે નક્કી કર્યું હતું કે આ ગીતમાંથી થતી કમાણીનો મોટો હિસ્સો દુનિયાના બાળકોના કલ્યાણ માટે દાન કરવામાં આવશે. વર્ષ 2024ના આંકડા મુજબ આ ગીતે UNICEF માટે એક કે બે નહીં પરંતુ 5 મિલિયન ડોલરથી પણ વધુનું માતબર ફંડ એકત્ર કરી લીધું છે.

આ સુંદર પહેલની શરૂઆત યુનાઈટેડ નેશન્સ ખાતે યોજાયેલા એક કોન્સર્ટ દરમિયાન થઈ હતી, જ્યાં આ બેન્ડ દ્વારા બાળકોના અધિકારોના સમર્થનમાં આ મોટું વચન આપવામાં આવ્યું હતું. 'ચિકિટીટા' ગીતની આ રોયલ્ટીથી મળેલા પૈસાનો ઉપયોગ ખાસ કરીને એવા બાળકોની રક્ષા માટે કરવામાં આવે છે જેઓ શોષણ કે હિંસાનો ભોગ બનતા હોય છે. દુનિયાના સંવેદનશીલ વિસ્તારોમાં બાળકોને સુરક્ષિત રાખવા માટે આ ફંડ ખૂબ જ મોટો સહારો બની ગયું છે.

આ લોકપ્રિય બેન્ડનો સેવાભાવ અહીં જ અટક્યો નથી. બાળકો પ્રત્યેના તેમના પ્રેમ અને સમર્પણને આગળ વધારતા, વર્ષ 2021માં ABBA દ્વારા વધુ એક મોટું પગલું ભરવામાં આવ્યું. બેન્ડે પોતાના બીજા એક હિટ સોન્ગની રોયલ્ટી પણ UNICEF ને આપવાની જાહેરાત કરી દીધી હતી. સંગીતની સાથે દુનિયાના બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું આ કામ ખરેખર પ્રશંસનીય છે અને આ જ કારણ છે કે આ મ્યુઝિકલ બેન્ડ આજે પણ કરોડો લોકોના દિલમાં રાજ કરે છે.

LATEST ARTICLES