દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ સુધીના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે, કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી વર્ષ 2018ના એક માનહાનિ કેસના સિલસિલામાં સુલતાનપુર કોર્ટ પહોંચી ગયા છે. આ કેસ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય હોમ મિનિસ્ટર અમિત શાહ સામે કથિત વાંધાજનક નિવેદન આપવા સાથે જોડાયેલો છે. કોર્ટ આજે આ મામલે પોતાનો અંતિમ ચુકાદો સંભળાવવાની છે, જેને લઈને સ્થાનિક પોલીસ તંત્ર પણ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.
આખો મામલો બેંગ્લુરુમાં વર્ષ 2018માં યોજાયેલી કર્ણાટક ઇલેક્શનની પ્રેસ કૉન્ફરન્સનો છે. આરોપ છે કે રાહુલ ગાંધીએ તે સમયે અમિત શાહ વિરુદ્ધ કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ નિવેદનથી નારાજ થઈને ભાજપના સ્થાનિક નેતા વિજય મિશ્રાએ સુલતાનપુરની એમપી-એમએલએ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. લાંબા સમયથી આ કેસમાં કાનૂની લડાઈ ચાલી રહી હતી અને હવે કોર્ટ તરફથી ચુકાદાની ઘડી આવી પહોંચી છે.
રાહુલ ગાંધીના આગમનને લઈને કોર્ટ પરિસરની આસપાસ સુરક્ષાના સખત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહે તેવી શક્યતા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કાફલો તૈનાત છે. હવે જોવાનું એ રહે છે કે સુલતાનપુર કોર્ટના જજ આ હાઇપ્રોફાઇલ કેસમાં શું ફેસલો આપે છે, કારણ કે તેના પર દેશભરના રાજકારણીઓની નજર મંડાયેલી છે.
