JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

સુરત એરપોર્ટનું નવું વિન્ટર શિડ્યૂલ જાહેર, હવે 2 ઇન્ટરનેશનલ અને 17 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઉડાન ભરશે

Oct 26, 2026 | 09:15 | By JAMNAGAR MIRROR
સુરત એરપોર્ટનું નવું વિન્ટર શિડ્યૂલ જાહેર, હવે 2 ઇન્ટરનેશનલ અને 17 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઉડાન ભરશે
સુરતના આકાશમાંથી વિદેશ અને દેશના મોટા શહેરો માટે હવાઈ સફર હવે વધુ સરળ બનશે. આગામી 30 નવેમ્બર સુધી લાગુ રહેનારા આ નવા વિન્ટર શિડ્યૂલમાં દુબઈ અને શારજાહ તેમજ દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મહાનગરો માટે સીધી ફ્લાઈટ્સની ખાસ સુવિધા મળવાની છે.

હીરા અને ટેક્સટાઈલ નગરી સુરતના પ્રવાસીઓ અને વેપારીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આગામી 30 નવેમ્બર સુધીના સમયગાળા માટે સત્તાવાર રીતે નવું વિન્ટર શિડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ નવા શિડ્યૂલ મુજબ હવે સુરત એરપોર્ટથી કુલ 2 આંતરરાષ્ટ્રીય અને 17 જેટલી ડોમેસ્ટિક ડાયરેક્ટ ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવશે. ખાસ કરીને વિદેશ જતા મુસાફરો અને બિઝનેસમેનોની સગવડને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી સુરતવાસીઓ સીધા જ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી શકે.

વિદેશ પ્રવાસની વાત કરીએ તો, એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા દુબઈ માટે દૈનિક ધોરણે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે. આ વિમાન દરરોજ સુરતથી સવારે 7.10 વાગ્યે ઉપડશે અને દુબઈથી પરત ફરીને બપોરે 2.5 વાગ્યે સુરત એરપોર્ટ પર લેન્ડ થશે. આ ઉપરાંત, ખાડી દેશો સાથેનો સંપર્ક વધુ મજબૂત બને તે માટે શારજાહ માટે પણ ફ્લાઈટ દોડાવવામાં આવશે, જે અઠવાડિયામાં 3 દિવસ એટલે કે દર બુધવાર, શુક્રવાર અને રવિવારે બપોરે 3.5 વાગ્યે સુરતથી ઉડાન ભરીને રાત્રે 10.00 વાગ્યે પાછી ફરશે. આ બંને ફ્લાઈટ્સ વિદેશ પ્રવાસ કરતા લોકો માટે સમયની મોટી બચત સાબિત થશે.

બીજી બાજુ દેશના ઘરેલુ એટલે કે ડોમેસ્ટિક રૂટ્સ પર પણ વિમાનોનો ધમધમાટ વધારવામાં આવ્યો છે. દેશની રાજધાની દિલ્હી માટે દરરોજ નિયમિત 5 ફ્લાઈટ્સ તો દોડશે જ, સાથે સાથે મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે મંગળવાર, બુધવાર અને રવિવારે 1 વધારાની ફ્લાઈટ મળીને કુલ 6 ફ્લાઈટ્સ કાર્યરત રહેશે. સાઉથ ઇન્ડિયાના આઈટી હબ ગણાતા બેંગલુરુ માટે દરરોજ 2 ફ્લાઈટ્સ ઉડાન ભરશે, જ્યારે સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે વધારાની ફ્લાઈટ તથા રવિવારે ખાસ ફ્લાઈટ ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત હૈદરાબાદ, જયપુર, ગોવા અને કોલકાતા જેવા મહત્ત્વના શહેરો માટે પણ દૈનિક સીધી સેવાઓ યથાવત્ રાખવામાં આવી છે.

આ નવા શિડ્યૂલમાં પ્રાદેશિક કનેક્ટિવિટી પર પણ પૂરતું ધ્યાન અપાયું છે. સ્ટાર એર દ્વારા જામનગર માટે અઠવાડિયામાં 4 દિવસ એટલે કે મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે ફ્લાઈટ ચલાવવામાં આવશે, જ્યારે ચેન્નાઈ માટે અઠવાડિયામાં 2 દિવસ બુધવાર અને રવિવારે સીધી વિમાની સેવા મળી રહેશે. 25 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધીના આ નવા સમયપત્રકથી સુરતના ઉદ્યોગપતિઓ, ડાયમંડ-ટેક્સટાઈલના વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકો માટે દેશ-વિદેશની મુસાફરી એકદમ આસાન અને આરામદાયક બની જશે.

LATEST ARTICLES