આ વર્ષે મેઘરાજાની કૃપા ઓછી રહેલી હોવાથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે, જેને લઈને હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યની જનતાને પાણી માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કમર કસવામાં આવી છે. સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આ જળસંકટના કાયમી નિરાકરણ લાવવાના સ્પષ્ટ સંકેતો આપી દીધા છે. આ સમસ્યાને ડામવા માટે હવે દિલ્હીના દરબારમાં મોટો પાયે મંથન શરૂ થયું છે.
આ યોજનાના ભાગરૂપે મંગળવારે દિલ્હી ખાતે એક હાઈ-લેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર એમ ત્રણ મોટા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ટેબલ ટોક થશે. આ બેઠક એટલા માટે ખાસ છે કે તેમાં આસપાસના રાજ્યોમાંથી ગુજરાતને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને પાણીની વહેંચણી યોગ્ય રીતે થાય તે અંગે કોઈ નક્કર અને કાયમી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પાટીલના જણાવ્યા મુજબ, દેશના બીજા રાજ્યોની સરખામણીએ ભલે ગુજરાતમાં પાણીની સ્થિતિ હજુ સારી છે, છતાં ભવિષ્યની ચિંતા ટાળવા માટે અત્યારથી જ ગંભીર પગલાં ભરવામાં આવી રહ્યા છે.
બીજી બાજુ, પાડોશી રાજ્યોમાં પણ સ્થિતિ ચિંતાજનક બની છે. રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે પાણીની અછત, ઘટતા ભૂગર્ભ જળ અને નબળા પાકને ધ્યાનમાં રાખીને રાજ્યના 13 જિલ્લાઓના અનેક તાલુકાઓને મધ્યમ અને ગંભીર દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દીધા છે. આ વિસ્તારોમાં હવે સરકાર દ્વારા વિશેષ રાહત અભિયાન ચલાવવામાં આવશે. અગાઉ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ 265 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાઈ ચૂક્યા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે મંગળવારે દિલ્હીમાં યોજાનારી આ ચાર મુખ્યમંત્રીઓની બેઠક ગુજરાતના જળસંકટને હળવું કરવા માટે કેટલી કારગર સાબિત થાય છે અને કયા મોટા નિર્ણયો લેવાય છે, તેના પર સમગ્ર રાજ્યની જનતાની મીટ મંડાયેલી છે.
