સોમવારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ફ્લેટ નોટ પર ખૂલે તેવી પૂરી શક્યતા છે. વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા મિશ્ર સંકેતો વચ્ચે રોકાણકારો અત્યારે થોડી સાવચેતીની મુદ્રામાં જોવા મળી રહ્યા છે. એશિયન બજારોમાં પણ આજે નરમાઈ જોવા મળી રહી છે, જેની અસર સ્થાનિક માર્કેટ પર પણ પડી શકે છે. ચીનનું શાંઘાઈ માર્કેટ 0.53% ઘટીને કારોબાર કરી રહ્યું છે, જ્યારે સિંગાપોરમાં 0.41% અને કોસ્પીમાં 0.34% નો ઘટાડો નોંધાયો છે. ગત શુક્રવારે અમેરિકન બજાર ડાઉ અને એસએન્ડપી 500 પણ ઘટાડા સાથે બંધ થયા હતા.
ગ્લોબલ લેવલે ઊર્જાના વધતા ભાવ અને મોંઘવારીની ચિંતાઓ ફરી એકવાર સામે આવી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ તેના 5 મહિનાના ઉચ્ચ સ્તરની આસપાસ જ ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે ઓઈલના ભાવમાં 3.77% નો ઉછાળો આવ્યો છે. બીજી બાજુ સોનાના ભાવમાં 1.30% નો ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે, આ પરિસ્થિતિઓને કારણે મોંઘવારી ઊંચી રહી શકે છે અને રૂપિયા પર દબાણ વધી શકે છે. જો કે, આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે યુએસ ફેડરલ રિઝર્વ આ અઠવાડિયે વ્યાજદર યથાવત રાખશે એવી અપેક્ષાઓ છે, જેનાથી ગ્લોબલ લિક્વિડિટીને થોડો ટેકો મળી રહ્યો છે.
આ સાવચેતીભરા માહોલની સીધી અસર ક્રિપ્ટોકરન્સી માર્કેટ પર પણ સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. પ્રખ્યાત ક્રિપ્ટો પ્લેટફોર્મના ફાઉન્ડર નિશ્ચલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, ગ્લોબલ માર્કેટની અનિશ્ચિતતા વચ્ચે અગ્રણી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન શોર્ટ-ટર્મ પુલબેક બાદ હાલમાં 79,567 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. બિટકોઈન માટે 79,000 થી 79,500 ડોલરની રેન્જ તાત્કાલિક સપોર્ટ પૂરો પાડી રહી છે, જ્યારે જો તે 80,700 થી 81,200 ડોલરની ઉપર રિકવર થાય તો માર્કેટમાં મોમેન્ટમ સુધરી શકે છે. બીજી તરફ, ઈથેરિયમ પણ સાયકોલોજીકલ લેવલ 2,300 ડોલરનું ટેસ્ટ કર્યા બાદ 2,310 ડોલરની આસપાસ ટકી રહ્યું છે.
સંસ્થાગત રોકાણકારો (ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ) ની પ્રવૃત્તિઓ પણ આ અઠવાડિયે મિશ્ર રહી છે. યુએસ સ્પોટ બિટકોઈન ઇટીએફ (ETFs) માંથી 137.9 મિલિયન ડોલરનો આઉટફ્લો જોવા મળ્યો છે, જ્યારે ઈથેરિયમ ઇટીએફ તરફ 4.4 મિલિયન ડોલરનું રોકાણ આકર્ષાયું છે. બિટકોઈન અને ઈથેરિયમ હજુ પણ તેમના સપોર્ટ ઝોનની ઉપર જ છે, જે દર્શાવે છે કે સ્પોટ ડિમાન્ડ અને ડેરિવેટિવ્ઝ પોઝિશનિંગે વેચાણના દબાણને અમુક અંશે શોષી લીધું છે. આગામી દિવસોમાં સેન્ટ્રલ બેંકના નિર્ણયો અને એનર્જી પ્રાઈસ જ માર્કેટની આગામી દિશા નક્કી કરશે.
