બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની ઢસા PGVCL કચેરીની એક એવી ઘોર બેદરકારી સામે આવી છે, જેને જોઈને સારા-સારા ટેકનિશિયનો પણ ચક્કરમાં પડી જાય. સામાન્ય રીતે વીજળી વાપર્યા પછી જ બિલ આવે તેવો નિયમ હોય છે, પરંતુ અહીં તો વીજળી પહોંચી જ નથી અને બિલ પહોંચી ગયું છે! ગઢડાના જલાલપુર ગામે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકો વીજ તંત્રની આજીબ ગફલતની મજાક ઉડાવી રહ્યા છે.
બન્યું એમ હતું કે જલાલપુર ગામમાં રહેતા શૈલેષભાઈ કેશુભાઈ ડોડીયા અને ગોબરભાઈ કાળાભાઈ સોલંકીએ પોતાના ઘર વપરાશ માટે નવા વીજ કનેક્શનની માંગણી કરી અરજી આપી હતી. અરજી કર્યા પછી તંત્રએ માત્ર વીજ પોલ નાખવાનું કામ કર્યું, પરંતુ હજુ સુધી ન તો ઘરમાં કોઈ કેબલ નાખવામાં આવ્યો અને ન તો કોઈ ઇલેક્ટ્રિક મીટર ફિટ કરવામાં આવ્યું. કાગળ પર પણ કનેક્શન ચાલુ થયું નથી, છતાં PGVCLના બુદ્ધિશાળી તંત્રએ આ બંને ગ્રાહકોને બરાબર રૂ. 818 - 818 નું લાઈટ બિલ ફટકારી દીધું.
જ્યારે આ બંને ગ્રાહકોના હાથમાં વીજ કનેક્શન કે મીટર વગર જ લાઈટ બિલ આવીને ઊભું રહ્યું, ત્યારે તેમની આંખો ફાટી ગઈ. કશું વાપર્યું જ નથી તો પછી આ બિલ ક શેનું? આ અનોખી લાપરવાહી જોઈને રોષે ભરાયેલા ગ્રાહકોએ ચૂપ બેસવાને બદલે પોતાની આપવીતીનો આખો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આ વીડિયો વાયરલ થતાં જ ઢસા PGVCL કચેરીના બાબુઓની ઊંઘ હરામ થઈ ગઈ છે અને સ્થાનિક લોકો તથા વેપારીઓમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ ભ્રષ્ટ કે બેદરકાર વહીવટ સામે તંત્ર શું પગલાં લે છે.
