શરદ પૂનમની રાત્રિ એટલે કે અમૃત વર્ષા કરતી રાત. આકાશમાં જ્યારે સોળે કળાએ ખીલેલો ચંદ્રમા સોહામણો લાગતો હોય, ત્યારે કોનું મન ગણગણાટ કરવાનું ન થાય? 'આપનું મુખ જોઈ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે...' આ સુંદર કાવ્ય પંક્તિઓ જેવી જ મનમોહક અને ગુલાબી ઠંડીની શરૂઆત કરાવતી આ રાતે અમદાવાદ સહિત આખા ગુજરાતમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આકાશમાંથી જાણે ચાંદની નહીં, પણ અમૃત વર્ષી રહ્યું હોય તેવો અહેસાસ સૌ કોઈને થયો હતો. શરદ પૂનમનું મહત્વ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે અને તેની સોળ કળાઓ સંપૂર્ણપણે ખીલેલી હોય છે.
આપણા પરંપરાગત રિવાજ મુજબ, શરદ પૂનમની રાત્રે દૂધપૌઆ બનાવવાનું વિશેષ મહત્વ છે. લોકોએ પોતાના ઘભે છત પર કે આંગણામાં ચાંદનીના સીધા પ્રકાશમાં દૂધપૌઆની વાટકીઓ મૂકી હતી. એવું માનવામાં આવે છે કે ચંદ્રના કિરણો જ્યારે આ દૂધપૌઆ પર પડે છે, ત્યારે તેમાં ઔષધીય ગુણોનો ઉમેરો થાય છે. આ પૌષ્ટિક અને શીતળ દૂધપૌઆ ચંદ્રના પ્રકાશમાં થોડો સમય રાખ્યા બાદ પરિવારે સાથે મળીને ખૂબ જ શ્રદ્ધા અને આનંદથી આરોગ્યા હતા. આખી રાત જાગરણ કરીને આ તહેવાર ઉજવવાની આપણી વર્ષો જૂની સંસ્કૃતિ આજે પણ એટલી જ જીવંત છે.
માત્ર દૂધપૌઆ જ નહીં, પણ શરદ પૂનમના રંગમાં રંગાઈને ખેલૈયાઓ ગરબે પણ ઘૂમ્યા હતા. સોસાયટીઓ, પાર્ટી પ્લોટ અને શેરીઓમાં ઢોલના તાલે અને શરણાઈનાસૂર સાથે રાસ-ગરબાની રમઝટામ જામેલી જોવા મળી હતી. પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ થઈને યુવાનો અને વડીલો સૌ કોઈ રાસની મોજમાં લીન થયા હતા. ચાંદની રાતમાં ખેલૈયાઓના પગના થનગનાટથી આખો માહોલ ગરબામય બની ગયો હતો. આમ, સ્વાસ્થ્ય અને સંસ્કૃતિનો અનોખો સમન્વય સાધતી આ શરદ પૂનમની રાત્રે સૌ કોઈએ કુદરતના આ અદ્ભુત સૌંદર્યને મન ભરીને માણી લીધું હતું.
