બિહારના પાટનગર પટના ખાતે તાજેતરમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવાર અને પિતા અંગે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીએ ભારે રાજકીય ભૂકંપ સર્જ્યો છે. આ વિવાદ હવે પટનાથી લઈને દિલ્હી અને ગુજરાત સુધી વ્યાપી ગયો છે. જમીની સ્તરે વિકાસ અને નીતિના મુદ્દાઓ પર હાર ભાળી ગયેલી કોંગ્રેસ પાર્ટી હવે વ્યક્તિગત ગાળાગાળી અને કનિષ્ઠ માનસિકતા પર ઉતરી આવી છે તેવા આક્ષેપો સાથે ગુજરાતના દિગ્ગજ નેતાઓએ મોરચો ખોલ્યો છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત 25 ઓક્ટોબરના રોજ પટનાના બાપુ ઓડિટોરિયમમાં થઈ હતી, જ્યાં બિહારના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. શ્રીકૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસનો એક મોટો કાર્યક્રમ યોજાયો હતો. સભાને સંબોધતી વખતે જ્યારે મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યા હતા, ત્યારે ભીડમાંથી એક વ્યક્તિએ અવાજ ઉઠાવીને કહ્યું કે "મોદી નહીં જાય." આ સામાન્ય વિરોધથી ખડગે એટલા બધા અકળાઈ ઊઠ્યા કે તેઓ ભાન ભૂલી ગયા અને આવેશમાં આવીને વડાપ્રધાન મોદીના સ્વર્ગસ્થ પિતાનો ઉલ્લેખ કરીને અત્યંત અભદ્ર ટિપ્પણી કરી દીધી. એટલું જ નહીં, આ નિવેદન બાદ સભામાં હાજર કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને અવાજ ઉઠાવનાર તે વ્યક્તિને સ્ટેજ નજીક પકડીને માર માર્યો હતો, જેના કારણે હોલની અંદર ભારે હોબાળો મચી ગયો હતો.
આ ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં પણ આગ લાગી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પટનામાં કોંગ્રેસ પ્રમુખ દ્વારા દેશના ચૂંટાયેલા વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, શરમજનક અને સખત નિંદનીય છે. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસ વારંવાર સાબિત કરી ચૂકી છે કે જ્યારે તેઓ લોકકલ્યાણ અને વિકાસના કામોમાં પીએમ મોદીનો સામનો કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેઓ વ્યક્તિગત હુમલાઓ અને અભદ્ર ભાષાના સૌથી નીચલા સ્તર સુધી પહોંચી જાય છે. દેશની જનતા આવા ગંદી માનસિકતાવાળા રાજકારણને ક્યારેય સ્વીકારવાની નથી.
બીજી બાજુ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પર પ્રહાર કરતા કોંગ્રેસના સંસ્કાર અને નેતૃત્વ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂજ્ય પિતા વિરુદ્ધ કરવામાં આવેલી આ ટિપ્પણી કોંગ્રેસ પાર્ટીની ઘટતી જતી રાજકીય સંસ્કૃતિ અને પોકળ માનસિકતાનો જીવંત પુરાવો છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું રાજકારણ હવે જનહિતના મુદ્દાઓ છોડીને માત્ર અંગત અપમાનો અને અભદ્ર ટીકાઓ પૂરતું સીમિત થઈ ગયું છે. વડાપ્રધાન દેશના 1.4 અબજ નાગરિકોના જનાદેશ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે સંવાદની ગરિમા તોડવી એ સીધી રીતે દેશની જનતાનું અપમાન છે. આગામી સમયમાં જનતા આ રાજકીય અહંકારનો કડક જવાબ આપશે તેવું તેમણે અંતમાં ઉમેર્યું હતું.
