સાંભળવામાં થોડું અજીબ લાગે કે કોઈ વ્યક્તિ પોતાના જ મૃત્યુની જાહેરાત અગાઉથી કરે, પણ અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતી એક 38 વર્ષની બહાદુર માતાએ આ કરી બતાવ્યું. કેસી રેયાન મેકઇન્ટાયર નામના આ મહિલા છેલ્લા કેટલાક સમયથી ઓવેરિયન કેન્સર જેવી ગંભીર બીમારી સામે જંગ લડી રહ્યા હતા. તેમને ખબર પડી ગઈ હતી કે હવે તેમનો સમય ઓછો છે, ત્યારે તેમણે પોતાના પરિવાર અને દુનિયા માટે એક એવી અદ્ભુત યાદ છોડવાનું નક્કી કર્યું જે હજારો પરિવારોની જિંદગી બદલી નાખવાની તાકાત ધરાવતી હતી. કેસીએ દુનિયા છોડતા પહેલા સોશિયલ મીડિયા પર પોતાની ડેથ એનાઉન્સમેન્ટ એટલે કે પોતાના નિધનની વાત શેર કરી અને સાથે જ એક સત્કાર્યની શરૂઆત કરી દીધી.
આખી દુનિયામાં હોસ્પિટલના મોટા-મોટા બિલ અને મેડિકલ દેવું સામાન્ય માણસની કમર ભાંગી નાખતા હોય છે. કેસી આ દર્દ સારી રીતે સમજતા હતા. શરૂઆતમાં તેમણે આ ફંડરેઝર કેમ્પેઈન માટે માત્ર 20,000 ડોલરનું લક્ષ્ય રાખ્યું હતું, જેથી થોડા ઘણા લોકોની મદદ થઈ શકે. પણ કમાલની વાત એ બની કે આ કેમ્પેઈન વાયરલ થઈ ગયું અને લોકોએ દિલ ખોલીને ડોનેશન આપવાનું શરૂ કર્યું. આ મદદ એટલી બધી વધી ગઈ કે તેનાથી અકલ્પનીય પરિણામો સામે આવ્યા.
કેસીની આ પહેલથી અમેરિકાના 9 સ્ટેટ્સમાં ફેલાયેલા અંદાજે 51,000 લોકોનું કુલ 44.9 મિલિયન ડોલરનું મેડિકલ દેવું પહેલી જ રાઉન્ડમાં હંમેશા માટે ડિલીટ એટલે કે માફ થઈ ગયું. જે લોકો ક્યારેય આ મોંઘા દેવામાંથી બહાર આવી શકે તેમ નહોતા, તેમને કેસીએ મ્રુત્યુ બાદ એક પ્રકારનું નવું જીવન દાનમાં આપ્યું. આજે આ ઘટના માત્ર એક સમાચાર નથી રહી, પણ નિસ્વાર્થ ભાવે માનવતાની સેવા કેવી રીતે થઈ શકે તેની એક જીવંત મિસાલ બની ગઈ છે. કેસી ભલે આજે આપણી વચ્ચે નથી, પણ હજારો અજાણ્યા લોકોના દિલમાં તે હંમેશા અમર રહેશે.
