પરમાણુ ઉર્જા આજે દુનિયાભરમાં વીજળી જરૂરિયાતો પૂરી કરવામાં મોટો ભાગ ભજવે છે, પણ એમાંથી નીકળતો ખતરનાક પરમાણુ કચરો હંમેશાથી વૈજ્ઞાનિકો માટે મોટો માથાનો દુખાવો રહ્યો છે. અત્યાર સુધી દુનિયાના મોટાભાગના દેશો આ કચરાને માત્ર અસ્થાયી સેન્ટર્સમાં જ સાચવતા હતા, કારણ કે તેની કાયમી અને સુરક્ષિત વ્યવસ્થા કરવી લોઢાના ચણા ચાવવા સમાન છે. પરંતુ હવે ફિનલેન્ડએ કમાલ કરી દીધી છે અને દુનિયાનો પહેલો દેશ બની ગયો છે જેણે પરમાણુ કચરાને કાયમી ધોરણે જમીનની નીચે સુરક્ષિત રાખવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. સરકારે તમામ કડક પરીક્ષણો અને રિપોર્ટ્સ બાદ ફિનલેન્ડના 'ઓનકાલો' નામના આ અદભુત કેન્દ્રને ઓપરેટ કરવા માટેનો પરવાનો આપી દીધો છે, જેનું કામ પૂરા 22 વર્ષ પહેલા શરૂ થયું હતું.
આ અનોખા ઓનકાલો સેન્ટરની ખાસિયત એવી છે કે તેમાં ફિનલેન્ડના તમામ 5 પરમાણુ રિએક્ટરોમાંથી નીકળતો કચરો આસાનીથી સંગ્રહિત કરી શકાશે. આ કેન્દ્રની કુલ ક્ષમતા 6500 ટન યુરેનિયમ સ્ટોર કરવાની છે. આ કચરાને સુરક્ષિત રાખવા માટે એવી અતિઆધુનિક ટેકનોલોજી વાપરવામાં આવી છે કે જે જાણીને તમે પણ ચોંકી જશો. પરમાણુ કચરાને સૌથી પહેલા મજબૂત કોપર એટલે કે તાંબાના ડબ્બામાં પેક કરવામાં આવે છે, જેમાં ક્યારેય કાટ નથી લાગતો. ત્યારબાદ આ ડબ્બાને ચટ્ટાનોની નીચે એકદમ ઊંડા ખાડાઓમાં ગોઠવવામાં આવે છે અને તેની આસપાસ ખાસ પ્રકારની માટી ભરીને તેને કોંક્રીટથી એકદમ જામ કરી દેવામાં આવે છે, જેથી કચરો કે તેનું ઘાતક રેડિયેશન બહાર ન નીકળી શકે. સંબંધિત એજન્સીના જણાવ્યા મુજબ, પૂરા 100000 વર્ષ પછી આ કચરામાંથી નીકળતું રેડિયેશન ઘટવા લાગશે અને તે કુદરતી યુરેનિયમની સપાટીની નજીક પહોંચી જશે, જેથી જોખમ એકદમ નહિવત થઈ જશે.
જો વૈશ્વિક સ્તરે નજર કરીએ તો, પરમાણુ પ્લાન્ટ્સને હટાવવા અને કચરો સાચવવા પાછળ જબરદસ્ત ખર્ચ થાય છે અને જો જરાય બેદરકારી દાખવવામાં આવે તો 1986ની ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટના જેવું મોટું સંકટ સર્જાઈ શકે છે. અત્યાર સુધી દુનિયાભરમાં અમેરિકામાં 40 થી વધુ, બ્રિટનમાં 36, જાપાનમાં 24, ફ્રાન્સમાં 15 અને રશિયામાં 11 પરમાણુ રિએક્ટર કાયમી ધોરણે બંધ થઈ ચૂક્યા છે, છતાં તેમની પાસે કાયમી નિકાલની પક્કી વ્યવસ્થા નથી. બીજી તરફ, જો આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં હાલમાં 24 પરમાણુ રિએક્ટર કેન્દ્રો ધમધમી રહ્યા છે અને એક પણ મુખ્ય રિએક્ટર બંધ થયું નથી. ભારત પરમાણુ કચરાના મેનેજમેન્ટ માટે પોતાની ખાસ 'ક્લોઝ્ડ ફ્યુઅલ સાયકલ' નીતિ પર કામ કરે છે, જેમાં વપરાયેલા ઇંધણને ફેંકી દેવાને બદલે રિસાઈકલ કરીને ફરી ઉર્જા ઉત્પન્ન કરવા લાયક બનાવાય છે, જેથી કચરાનું પ્રમાણ નહિવત થઈ જાય અને બાકી રહેલો કચરો પણ ઊંડા ભૂગર્ભમાં સીલ કરી દેવાય છે. ફિનલેન્ડનો આ નવો પ્રોજેક્ટ હવે આખી દુનિયાના દેશોને પરમાણુ કચરાના સુરક્ષિત નિકાલ માટે નવી રાહ ચીંધશે.
