ચેન્ઈમાં સાઉથ સુપરસ્ટાર ધનુષના ફેન્સ માટે એક ખાસ દિવસ રહ્યો હતો. ધનુષે પોતાના ફેન્સ એસોસિએશનના સભ્યો સાથે મુલાકાત યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં ચાહકોએ હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં ધનુષે ખાસ કરીને મહિલા સભ્યોનું સન્માન કર્યું હતું અને તેમને કમળની કોતરણીવાળા સુંદર ચાંદીના દીવા ગિફ્ટમાં આપ્યા હતા. ફિલ્મી દુનિયામાં પોતાના દમદાર અભિનયથી લાખો લોકોના દિલ જીતનારા ધનુષની આ મુલાકાત ચર્ચાનો વિષય બની છે, કારણ કે સાઉથના કલાકારો અક્ષરશઃ રાજકારણમાં ઝંપલાવતા હોય છે, ત્યારે ધનુષનું આ પગલું કોઈ મોટા રાજકીય એંધાણ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ મીટિંગ દરમિયાન ધનુષે ભલે સીધી રીતે કોઈ પણ પ્રકારની રાજકીય વાતચીત કરવાનું ટાળ્યું હોય અને માત્ર ફેન્સ સાથે પ્રેમથી સમય વિતાવ્યો હોય, પરંતુ તમિલનાડુના રાજકારણમાં તેના ગરમાવા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ધનુષે રાજકારણ પર ભલે મોં ન ખોલ્યું હોય, પરંતુ રાજકીય પક્ષોએ આ મુલાકાતના અલગ જ અર્થ કાઢવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી દ્વારા આ બેઠકને લઈને મોટું નિવેદન આપતા તેને ભાજપનો પ્લાન સી ગણાવવામાં આવ્યો છે, જેના કારણે સાઉથની સિનેમા અને પોલિટિક્સના કોમ્બિનેશનમાં નવો જ વિવાદ છેડાઈ ગયો છે.
હવે જોવાનું એ રહે છે કે ધનુષ આગામી સમયમાં પોતાના ચાહકો અને રાજકારણ વિશે શું ખુલાસો કરે છે. ફિલ્મી પડદા પર ધાક જમાવનાર આ સ્ટાર ખરેખર ભવિષ્યમાં કોઈ રાજકીય રમત રમવાના છે કે પછી આ માત્ર એક સામાન્ય ફેન્સ મીટિંગ જ હતી, તે તો આવનાર સમય જ કહેશે. હાલ તો આ બેઠક અને તેમાં મહિલાઓને અપાયેલી ગિફ્ટ્સ સોશિયલ મીડિયા પર હોટ ટોપિક બની ગઈ છે અને દરેક જગ્યાએ તેની જ ચર્ચાઓ થઈ રહી છે.
