JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

જાપાન અને દક્ષિણ કોરિયાનો પ્રવાસ સફળ ખેડીને અમદાવાદ પરત ફર્યા નાયબ મુખ્યમંત્રી, ગુજરાતમાં રોકાણના નવા દ્વાર ખુલ્યા

Oct 25, 2026 | 22:55 | By JAMNAGAR MIRROR
જાપાન અને દક્ષિણ કોરિયાનો પ્રવાસ સફળ ખેડીને અમદાવાદ પરત ફર્યા નાયબ મુખ્યમંત્રી, ગુજરાતમાં રોકાણના નવા દ્વાર ખુલ્યા
આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા વિદેશી રોકાણ આકર્ષવા માટે જાપાન અને દક્ષિણ કોરિયાના સફળ પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમદાવાદ પરત ફર્યા છે. આ પ્રવાસ દરમિયાન સેમિકન્ડક્ટર અને ઓટોમોબાઇલ સહિતના સેક્ટરમાં મોટા રોકાણ માટે અગ્રણી ગ્લોબલ કંપનીઓ સાથે સકારાત્મક ચર્ચાઓ થઈ છે.

આગામી સમયમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે. વિદેશી રોકાણને ગુજરાત તરફ આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક જોડાણો વધુ મજબૂત કરવાના હેતુસર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ એક ઉચ્ચસ્તરીય ડેલિગેશને જાપાન અને દક્ષિણ કોરિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને આખી ટીમ હવે અમદાવાદ પરત ફરી છે, જેના કારણે ગુજરાતના ઉદ્યોગ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ વિદેશ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વવાળી ટીમે જાપાનના ઓસાકા, કોબે અને ટોક્યો તેમજ દક્ષિણ કોરિયાના દેગુ અને સિઓલ જેવા વિશ્વના અગ્રણી ઔદ્યોગિક અને તકનીકી હબની મુલાકાત લીધી હતી. આ શહેરોમાં ત્યાંના દિગ્ગજ ઉદ્યોગપતિઓ, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ અને મોટી ટેકનોલોજી કંપનીઓના CEO સાથે વન-ટુ-વન બેઠકો યોજવામાં આવી હતી. ગુજરાતમાં ઉપલબ્ધ વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારની ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ નીતિઓની વિગતો રજૂ કરીને વિદેશી રોકાણકારોને રાજ્યમાં પ્લાન્ટ્સ નાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ તમામ દિગ્ગજ ઉદ્યોગકારોને આગામી વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપવા માટે સત્તાવાર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.

આ હાઈ-લેવલ પ્રવાસમાં ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, DGVCL ના એમડી અરવિંદ વિજયન, નાયબ મુખ્યમંત્રીના સચિવ આશિષ કુમાર અને સંયુક્ત કમિશનર કનક ડેર પણ સામેલ હતા. આ તમામ અધિકારીઓએ વિદેશી કંપનીઓ સાથેની ટેકનિકલ અને ઔદ્યોગિક વાટાઘાટોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેના પરિણામે આગામી દિવસોમાં સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને ઓટોમોબાઇલ સેક્ટરમાં તોતિંગ વિદેશી રોકાણ ગુજરાતમાં આવશે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે.

LATEST ARTICLES