JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

કટારિયા ચોકડીના ડબલ ડેકર કેબલ બ્રિજનું નામકરણ સ્વ. વિજયભાઇ આઇકોનિક બ્રિજ તરીકે કરાશે

Oct 18, 2026 | 21:26 | By JAMNAGAR MIRROR
કટારિયા ચોકડીના ડબલ ડેકર કેબલ બ્રિજનું નામકરણ સ્વ. વિજયભાઇ આઇકોનિક બ્રિજ તરીકે કરાશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર સ્વસ્થ વિજયભાઇ રૂપાણીનું ઋણ રાજકોટવાસીઓ ક્યારેય ચૂકવી શકે તેમ નથી તેવી સમગ્ર શહેરીજનોની પ્રબળ લાગણીને પરિપૂર્ણ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના કટારિયા ચોકડી ખાતે નિર્માણ પામી રહેલા અત્યાધુનિક ડબલ ડેકર આઇકોનિક કેબલ બ્રિજનું નામકરણ સ્વ. વિજયભાઇ રૂપાણી આઇકોનિક બ્રિજ કરવા માટે આજે મનપા દ્વારા મળેલી જનરલ બોર્ડની બેઠકમાં સર્વાનુમતે વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમગ્ર શહેરમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ ગઈ છે.

સ્વ. વિજયભાઇ રૂપાણીની સામાજિક અને રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટની પવિત્ર ધરતીથી જ થઈ હતી અને તેઓ હંમેશા લોકકલ્યાણ માટે સમર્પિત રહ્યા હતા. વિજયભાઇ અને તેમનો સમગ્ર પરિવાર માનવ સેવાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યો છે. તેમના સ્વર્ગસ્થ પુત્ર પુજીતના નામથી ચાલતા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ઝૂપડપટ્ટીના વંચિત બાળકોના શૈક્ષણિક અને કારકિર્દી ઘડતર સહિતના અનેકવિધ માનવતાવાદી સેવાકાર્યો અવિરતપણે ચાલી રહ્યા છે, જે તેમનો સમાજ પ્રત્યેનો અજોડ પ્રેમ દર્શાવે છે.

મુખ્યમંત્રી તરીકેના તેમના સફળ કાર્યકાળ દરમિયાન સ્વ. વિજયભાઇ રૂપાણીએ રાજકોટના સર્વાંગી વિકાસ માટે અનેક ઐતિહાસિક પ્રોજેક્ટ્સની ભેટ ધરી છે. રાજકોટવાસીઓ માટે ગૌરવ સમાન અદ્યતન એઇમ્સ હોસ્પિટલ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, ફ્લાયઓવર બ્રિજ અને આધુનિક માર્ગો જેવા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ તેમના જ સક્રિય પ્રયાસોથી સાકાર થયા છે. તેમના આ અમૂલ્ય યોગદાનને કાયમ માટે સ્મૃતિમાં રાખવા માટે મેયર ડૉ. નેહલ શુક્લ સહિતના અગ્રણી નગરસેવકો અને પદાધિકારીઓએ જનરલ બોર્ડમાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. સ્વ. વિજયભાઇનું શહેરના વિકાસમાં જે અનન્ય યોગદાન છે, તેને નવી પેઢી હંમેશા યાદ રાખે તે હેતુથી આ ભવ્ય બ્રિજનું નામકરણ તેમના નામ પર કરવું એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.

LATEST ARTICLES