દેશભરમાં રેસ્ટોરન્ટ ક્ષેત્ર દ્વારા કરવામાં આવતી જંગી કરચોરી અને વાસ્તવિક વેચાણ છુપાવવાની ગેરરીતિઓ સામે આવકવેરા વિભાગે લાલ આંખ કરી છે. અંદાજે રૂપિયા ૭૦,૦૦૦ કરોડના વેચાણ છુપાવવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડની તપાસના ભાગરૂપે ગુરુવારે રાજકોટ, અમદાવાદ અને સુરત સહિતના મુખ્ય શહેરોમાં આવેલી રેસ્ટોરન્ટ્સ પર વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ખાસ કરીને બિલિંગ સોફ્ટવેર અને ક્લાઉડ-આધારિત સિસ્ટમ્સની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં સ્થાનિક એકમો દ્વારા આચરવામાં આવતી શંકાસ્પદ બિલિંગ પદ્ધતિઓ પર પણ અધિકારીઓએ સકંજો કસ્યો છે.
આ સમગ્ર કૌભાંડની પોલ ઓનલાઇન ફૂડ ડિલિવરી ઓર્ડર્સ પર લાગુ થતા માત્ર ૦.૧ ટકા ટીડીએસ ડેટાના વિશ્લેષણથી ખુલી છે. સ્વિગી અને ઝોમેટો જેવા ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ નિયમ મુજબ ૦.૧ ટકા ટીડીએસ કાપીને જમા કરાવતા હતા, પરંતુ આ માહિતીની ચકાસણી કરતા માલૂમ પડ્યું કે દેશભરની આશરે ૮,૦૦૦ જેટલી રેસ્ટોરન્ટ્સ નિયમિત ટીડીએસ કપાતો હોવા છતાં આવકવેરા રિટર્ન ભરતી જ ન હતી. વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ દરમિયાન આવી રેસ્ટોરન્ટ્સ દ્વારા રૂપિયા ૭,૫૦૦ કરોડની કરચોરી આચરવામાં આવી હોવાનો પ્રાથમિક અંદાજ છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં આ એકમોએ આશરે રૂપિયા ૨,૭૦૦ કરોડની આવક મેળવી હોવા છતાં કર ચૂકવવાથી દૂર રહ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ડિલિવરી કરતાં ડાઇન-ઇન એટલે કે રૂબરૂ બેસીને જમતા ગ્રાહકોનું વેચાણ ત્રણથી ચાર ગણું વધારે હોય છે, જે ટીડીએસ હેઠળ આવતું નથી. અગાઉના સર્વેક્ષણમાં સરેરાશ ૩૦ થી ૩૫ ટકા આવક છુપાવવામાં આવતી હોવાનું સ્પષ્ટ થયું હતું. સંચાલકો સોફ્ટવેરમાં ચેડાં કરીને બિલ છુપાવતા હતા તેમજ કર્મચારીઓના ખાતા દ્વારા રોકડ વ્યવહારો કરતા હતા. અગાઉ હૈદરાબાદમાં ૬૦ ટેરાબાઇટ્સ ડેટાની તપાસમાં વર્ષ ૨૦૧૯-૨૦ થી રૂપિયા ૭૦,૦૦૦ કરોડનું વેચાણ ચોપડે ન દર્શાવ્યું હોવાનું ખુલ્યું હતું. હાલ વિભાગ દ્વારા વાર્ષિક રૂપિયા ૨ થી ૫ કરોડની આવક ધરાવતી રેસ્ટોરન્ટ્સ સામે કડક વસૂલાત ઝુંબેશની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
