ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રાપ્ત થયેલા જ્વલંત વિજય બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગત રાત્રિએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે પાટનગરના વિભાગ-૧૧ સ્થિત કેસરિયા ગરબા મેદાનની વિશેષ મુલાકાત લીધી હતી. ગરબાના મંચ પરથી ઉપસ્થિત વિશાળ જનમેદની અને ખેલૈયાઓનો ઉત્સાહ વધારતા તેમણે બે હાથ જોડીને ગાંધીનગરની જનતા પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે પાટનગરના પ્રબુદ્ધ નાગરિકોએ આ ચૂંટણીમાં અભૂતપૂર્વ જનસમર્થન આપીને સમગ્ર રાજ્યમાં ગાંધીનગરનો વટ પાડી દીધો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલા આ ભવ્ય વિજયનો આનંદ તેમના મુખ પર સ્પષ્ટપણે છલકાતો હતો અને તેમણે આ જનચુકાદાને નગરજનોના અતૂટ વિશ્વાસનું પ્રતીક ગણાવ્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ મંચ પરથી ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવતા ખાતરી આપી હતી કે નાગરિકોના એક-એક કિંમતી મતના ઋણને ચૂકવવા માટે તેમનું સમગ્ર વહીવટી તંત્ર અને સાથીદારો સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તેમણે વચન આપ્યું હતું કે વિતેલા પાંચ વર્ષોની તુલનામાં આગામી સમયમાં ગાંધીનગરમાં સો ગણી વધુ ગતિએ જનહિત અને વિકાસના કાર્યો કરવામાં આવશે. ખેલૈયાઓ સાથે સંવાદ સાધતા તેમણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવતા જગતજનની મા અંબાનો જયઘોષ પણ કરાવ્યો હતો. તેમની આ શુભેચ્છા મુલાકાત દરમિયાન મંત્રી સંજયસિંહ મહિડા પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને માતાજીની આરાધનાના આ પર્વમાં સહભાગી થઈ વિજયોત્સવ મનાવ્યો હતો.
