JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

ગુજરાતમાં ભાદરવાનો આકરો મિજાજ: પારો ૩૮ ડિગ્રીને પાર, કાળઝાળ ગરમી વચ્ચે બેવડી ઋતુનો અહેસાસ

Oct 03, 2026 | 18:20 | By JAMNAGAR MIRROR
ગુજરાતમાં ભાદરવાનો આકરો મિજાજ: પારો ૩૮ ડિગ્રીને પાર, કાળઝાળ ગરમી વચ્ચે બેવડી ઋતુનો અહેસાસ

સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભાદરવા મહિનાનો આકરો તાપ જોવા મળી રહ્યો છે. ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજ્યભરમાંથી વાદળો વિખેરાઈ જતાં આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ બન્યું છે અને પરિણામે મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઊંચું નોંધાયું છે. વરસાદી ગતિવિધિઓ સંપૂર્ણપણે થંભી ગઈ હોવાથી રાજ્યભરમાં સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને પગલે દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી જનજીવન પ્રભાવિત થયું છે.

હવામાન વિભાગના સત્તાવાર આંકડા અનુસાર રાજ્યમાં સૌથી વધુ ગરમી ભુજ અને ડીસામાં નોંધાઈ હતી, જ્યાં મહત્તમ પારો ૩૮.૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. આ તાપમાન સામાન્ય કરતાં અનુક્રમે ૨.૭ અને ૨.૫ ડિગ્રી વધારે હતું. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન ૩૭.૮ ડિગ્રી રહ્યું હતું, જે સરેરાશ કરતાં ૨.૯ ડિગ્રી વધુ છે. આ ઉપરાંત કંડલામાં ૩૭.૫, વડોદરામાં ૩૭.૨ અને અમદાવાદમાં ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં વેરાવળમાં સામાન્ય કરતાં ૩.૮ ડિગ્રી વધુ સાથે ૩૬.૨ ડિગ્રી, પોરબંદરમાં ૩૬.૬ ડિગ્રી, તેમજ સુરતમાં ૩૬.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. માત્ર દ્વારકામાં ૩૧.૩ અને ઓખામાં ૩૨.૧ ડિગ્રી સાથે દરિયાઈ પવનોને કારણે ગરમીમાં આંશિક રાહત જોવા મળી હતી.

દિવસે અંગ દઝાડતી ગરમી સામે મોડી રાત્રે અને વહેલી સવારે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, જેના લીધે બેવડી ઋતુની સ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગરમાં લઘુતમ તાપમાન સામાન્યથી ૩.૨ ડિગ્રી ઘટીને ૨૧ ડિગ્રી અને અમદાવાદમાં ૨૨.૫ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં ૨૪ અને સુરેન્દ્રનગરમાં ૨૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. હવામાન તજજ્ઞોના જણાવ્યા મુજબ, ચોમાસું રાજ્યના મોટા ભાગમાંથી પાછું ખેંચાઈ રહ્યું હોવાથી આગામી દિવસોમાં પણ હવામાન સૂકું રહેશે અને વરસાદની શક્યતા નહિવત છે. આકરી ગરમી અને બપોરના આકરા તડકાને ધ્યાનમાં રાખીને નાગરિકોને બપોરના સમયે લાંબો સમય તડકામાં ન રહેવા, પૂરતા પ્રમાણમાં પાણી સાથે રાખવા અને આરોગ્યની વિશેષ કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે.

LATEST ARTICLES