માસિક પંદર હજાર રૂપિયાની લાલચ આપીને નિર્દોષ નાગરિકોના બેંક ખાતાઓ ભાડે મેળવીને તેમાં ઓનલાઇન ગેમિંગ અને ગેરકાયદેસર વ્યવહારો દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરવાનો એક મોટો પર્દાફાશ થયો છે. આ ગંભીર પ્રકરણ અંગે સ્થાનિક સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં નડિયાદ ઉપરાંત વડોદરા, અમદાવાદ અને ગોવાના કુલ છ શખ્સો વિરુદ્ધ સત્તાવાર રીતે સાઇબર ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો છે. શરૂઆતી તપાસમાં આ ટોળકી દ્વારા પાંચથી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને બે કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
સમગ્ર કૌભાંડની વિગતવાર વાત કરીએ તો, નડિયાદના સાંઈબાબા નગરમાં રહેતા કમલેશભાઈ તળપદાને ફળના ધંધા માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતાં તેમણે પોતાના મિત્ર પાસે લોન અથવા વ્યાજે નાણાંની વ્યવસ્થા કરવા માટે મદદ માંગી હતી. આ મિત્રએ વડોદરાના એક શખ્સ સાથે સંપર્ક કરાવીને કેસિનોના નાણાં ફેરવવાના બહાને બેંક ખાતું ભાડે આપવાથી દર મહિને પંદર હજાર રૂપિયા રોકડા મળવાની લાલચ આપી હતી. મિત્રના ભરોસામાં આવીને ભોગ બનનારે બેંકમાં ખાતું ખોલાવ્યું હતું અને ત્યારબાદ આરોપીઓએ બેંક પાસબુક, એટીએમ કાર્ડ તેમજ સીમ કાર્ડ પોતાના કબજામાં લઈ લીધા હતા. લાંબા સમય સુધી વચન મુજબના નાણાં ન મળતા અને શંકા જતાં ભોગ બનનારે બેંકમાં જઈને તપાસ કરતાં તેમના ખાતામાંથી લાખો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ સમગ્ર મા'મલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીડિતે તાત્કાલિક સાઇબર ક્રાઈમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો, જેના પગલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આંતરરાજ્ય સ્તરે ફેલાયેલા આ નેટવર્ક દ્વારા મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું ફલિત થયું છે. પોલીસે ગુનો નોંધીને આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો અને અન્ય સંડોવાયેલા ઈસમોને ઝડપી પાડવા માટે વિશેષ ચક્રો ગતિમાન કર્યા છે. રાજ્યભરમાં આવા અન્ય બેંક ખાતાઓનો દુરુપયોગ થયો છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
