JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

મહેમદાવાદની સરકારી હોસ્પિટલમાં ગંદકીના સામ્રાજ્યથી આરોગ્ય સેવામાં ગંભીર બેદરકારી ઉજાગર

Oct 24, 2026 | 05:00 | By JAMNAGAR MIRROR
મહેમદાવાદની સરકારી હોસ્પિટલમાં ગંદકીના સામ્રાજ્યથી આરોગ્ય સેવામાં ગંભીર બેદરકારી ઉજાગર

મહેમદાવાદ શહેર અને તાલુકાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતા અને પાયાની સુવિધાઓના અભાવે સમગ્ર આરોગ્ય વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. અહીં સારવાર માટે દૂરદૂરથી આવતા દર્દીઓને સ્વચ્છ વાતાવરણ મળવાના બદલે ચારેય બાજુ ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. હોસ્પિટલના સમગ્ર પરિસરમાં વપરાયેલી સિરીંજ, મેડિકલ બોટલો, ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા હેન્ડગ્લોઝ તેમજ પ્રવાહી ચઢાવવાની બોટલો અને પ્લાસ્ટિકના પાઉચ ખુલ્લામાં વેરાયેલા પડેલા છે. મેડિકલ વેસ્ટનો વૈજ્ઞાનિક પદ્ધતિએ યોગ્ય નિકાલ કરવામાં આવતો ન હોવાથી હોસ્પિટલ આવનાર દર્દીઓ અને નાગરિકોમાં ગંભીર બીમારીઓ અને ચેપ ફેલાવવાનું મોટું જોખમ ઊભું થયું છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે આરોગ્ય ધામ ગણાતી આ જગ્યા પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.

આ સ્થિતિની વધુ ગંભીર બાબત એ છે કે હોસ્પિટલના સંકુલમાં અસમાજિક તત્વોનો જમાવડો હોવાની પોલ ખોલતી દારૂની ખાલી બોટલો પણ ખુલ્લેઆમ જોવા મળી રહી છે. સરકારી સંસ્થાની સુરક્ષા અને દેખરેખ સામે આનાથી મોટો સવાલ બીજો કોઈ હોઈ શકે નહીં. બે વર્ષ અગાઉ ચોક્કસ રકમનો ખર્ચ કરીને બનાવવામાં આવેલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરમાં પણ પાણીના સંગ્રહને બદલે દારૂની ખાલી બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ અને અન્ય કચરો ભરાયેલો છે. આ ઉપરાંત હોસ્પિટલની દીવાલો અને ફ્લોર પર પાનની પિચકારીઓ તથા મસાલાની કોથળીઓ ફેંકાયેલી હોવાથી એવું સ્પષ્ટ થાય છે કે અહીં લાંબા સમયથી નિયમિત સફાઈ કામગીરી કરવામાં આવી જ નથી.

દર્દીઓ અને તેમના સગાંસંબંધીઓની મુશ્કેલીઓમાં વધારો કરતી બાબતોમાં પીવાના પાણીની સુવિધાનો પણ સમાવેશ થાય છે. શુદ્ધ પાણી માટે બેસાડવામાં આવેલો પ્લાન્ટ હાલ તૂટેલી અને બિનઉપયોગી હાલતમાં છે. પાણી મેળવવાની બારી તો છે પરંતુ ત્યાં ન તો પીવાનું પાણી મળે છે કે ન તો ગ્લાસની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ છે. વળી, હોસ્પિટલના બાથરૂમમાં ફેલાયેલી અસહ્ય ગંદકી અને તેના કારણે મારતી દુર્ગંધથી દર્દીઓ તથા તેમની સાથે રોકાતા સગાંઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરેથી હોસ્પિટલના સત્તાધીશો સામે ત્વરિત પગલાં લેવાની, સફાઈ અભિયાન ચલાવવાની અને દર્દીઓને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવાની ઉગ્ર માંગ ઉઠી છે.

LATEST ARTICLES