JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

બોટાદની ખોપાળા શાળાની તેજસ્વી વિદ્યાર્થિનીઓએ કચરામાંથી વીજળી ઉત્પાદન કરી વિજ્ઞાન મેળામાં પ્રથમ સ્થાન મેળવ્યું

Oct 11, 2026 | 04:10 | By JAMNAGAR MIRROR
બોટાદની ખોપાળા શાળાની તેજસ્વી વિદ્યાર્થિનીઓએ કચરામાંથી વીજળી ઉત્પાદન કરી વિજ્ઞાન મેળામાં પ્રથમ સ્થાન મેળવ્યું

બોટાદ જિલ્લાના ખોપાળા ખાતે આવેલી કેન્દ્રવર્તી પ્રધાનમંત્રી શાળામાં 'વિજ્ઞાનથી વિકસિત ભારત' વિષય આધારિત ડૉક્ટર હોમી ભાભા ગણિત-વિજ્ઞાન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન ઉત્સવમાં ક્લસ્ટર કક્ષાના પ્રદર્શન દરમિયાન સ્થાનિક શાળાની વિદ્યાર્થીનીઓએ પોતાની અનોખી વૈજ્ઞાનિક સૂઝબૂઝ રજૂ કરીને ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. શાળામાં અભ્યાસ કરતી પ્રાચીબા જયપાલસિંહ ચૌહાણ અને ભૂમિ દોલતભાઈ સાટીયા નામની બે પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ હરિત ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ વિભાગ હેઠળ રજૂ કરેલા અનોખા પ્રોજેક્ટથી સમગ્ર ક્લસ્ટરમાં પ્રથમ ક્રમ મેળવીને શાળા તથા સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.

બંને વિદ્યાર્થીનીઓએ તેમના માર્ગદર્શક શિક્ષક વિનોદકુમાર વિઠ્ઠલભાઈ ભાલાળાના માર્ગદર્શન હેઠળ 'દહનશીલ કચરાનું વ્યવસ્થાપન અને વીજળી ઉત્પાદન' વિષય પર એક અત્યંત ઉપયોગી અને પર્યાવરણલક્ષી મોડેલ રજૂ કર્યું હતું. વર્તમાન સમયમાં જ્યારે કચરાનો નિકાલ અને ઊર્જા સંકટ ગંભીર સમસ્યા બની રહ્યા છે, ત્યારે ગ્રામીણ વિસ્તારના આ બાળ વૈજ્ઞાનિકોએ કચરામાંથી ઊર્જા મેળવવાનો ઉત્તમ વિકલ્પ દર્શાવ્યો હતો. આ નવીન વિચાર અને તેની સચોટ વૈજ્ઞાનિક રજૂઆત જોઈને નિર્ણાયકો ખૂબ પ્રભાવિત થયા હતા. આ ઝળહળતી સફળતા બદલ શાળા પરિવાર, ગ્રામજનો અને શિક્ષણ જગતના અગ્રણીઓ દ્વારા બંને વિદ્યાર્થીનીઓ તથા માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ ગણિત-વિજ્ઞાન ઉત્સવમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અને ગણિતીય મોડેલિંગ, હરિત ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, સ્વદેશી કૃષિ પદ્ધતિઓ તેમજ આપત્તિ વ્યવસ્થાપન સહિતના કુલ પાંચ મુખ્ય વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને પ્રયોગોનું સુંદર નિદર્શન કર્યું હતું. આ સમગ્ર પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓના ઉત્સાહ તથા સર્જનાત્મક અભિગમને બિરદાવ્યો હતો.

LATEST ARTICLES