JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

નવસારી જમીન કૌભાંડ: મૃતકના નામે બોગસ દસ્તાવેજ બનાવી જમીન હડપવાનો કારસો, બિલ્ડરના ઘરે પોલીસ ત્રાટકી

Oct 11, 2026 | 04:00 | By JAMNAGAR MIRROR
નવસારી જમીન કૌભાંડ: મૃતકના નામે બોગસ દસ્તાવેજ બનાવી જમીન હડપવાનો કારસો, બિલ્ડરના ઘરે પોલીસ ત્રાટકી

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા હેઠળ આવતા એરૂ ગામમાં કરોડો રૂપિયાની કિંમતી ખેતીની જમીન પચાવી પાડવાના ચકચારી કૌભાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વર્ષો અગાઉ અવસાન પામેલા મૂળ જમીન માલિકના નામે બનાવટી પાવર ઓફ એટર્ની ઊભી કરી જમીન હડપ કરવાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર અને ભાગેડુ બિલ્ડર મહેશ સાંગાણીના સુરત સ્થિત નિવાસસ્થાને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, એરૂ ગામની સીમમાં આવેલા બ્લોક સર્વે નંબર ૮૯૨/૨, ૪૫૫/૧, ૬૩/૬/૧ તેમજ ૬૮૨ વાળી ખેતીની જમીનના મૂળ ખાતેદાર ચીમનલાલ કરશનજી દેસાઈનું તારીખ ૧૧ ઓગસ્ટ ૧૯૯૯ના રોજ અવસાન થયું હતું. તેમ છતાં જમીન માફિયાઓએ ગુનાહિત ષડયંત્ર રચીને તેમના મૃત્યુના વર્ષો બાદ, એટલે કે તારીખ ૧૬ જૂન ૨૦૦૫ના રોજ તેમના નામે બોગસ જનરલ પાવર ઓફ એટર્ની ઊભી કરી દીધી હતી. આ બનાવટી દસ્તાવેજોના આધારે સંબંધિત સરકારી કચેરીઓ અને મહેસૂલી તંત્રને ખોટી માહિતી પૂરી પાડીને જમીન પોતાના નામે કરાવી લેવામાં આવી હતી.

આ સમગ્ર ગોરખધંધા અંગે જલાલપોર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સુરતના મોટા વરાછા વિસ્તારના બિલ્ડર મુકેશ મનસુખભાઈ મેંદપરાની ધરપકડ કરી અદાલતમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. દરમિયાન આ કેસમાં મુખ્ય માસ્ટરમાઇન્ડ એવા ઓપેરા ગ્રૂપના બિલ્ડર મહેશ જયંતિભાઈ સાંગાણીના સુરત સ્થિત મોટા વરાછા ખાતે આવેલા મંત્ર લક્ઝુરિયસ ફ્લેટમાં પોલીસ કાફલાએ પહોંચીને તપાસનો ધમધમાટ આદર્યો હતો.

આ ચકચારી પ્રકરણમાં મહેશ સાંગાણી ઉપરાંત ઉકાભાઈ રામભાઈ વાળા, નાનજીભાઈ વલ્લભભાઈ વઘાસિયા, એમ. એસ. પી. શિંદે અને રમેશભાઈ રવજીભાઈ ભીમાણી સહિતના અન્ય સાગરીતો પણ ફરાર હોવાથી તેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. હાલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ. જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા તમામ ભાગેડુ આરોપીઓને ઝડપી પાડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમજ આ કૌભાંડમાં અન્ય કોઈ સ્થાનિક કે સરકારી કચેરીના મળતિયાઓની મિલીભગત છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ ચલાવાઈ રહી છે.

LATEST ARTICLES