JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

નવરાત્રિમાં ગ્લો અને ઊર્જા મેળવવા યુવાનોમાં આઈવી ડ્રિપનો ઘેલછાભર્યો ક્રેઝ: એચઆઈવી અને કિડની-લિવર ફેલ્યોર જેવા ગંભીર જોખમો સામે તબીબોની ચેતવણી

Oct 10, 2026 | 16:16 | By JAMNAGAR MIRROR
નવરાત્રિમાં ગ્લો અને ઊર્જા મેળવવા યુવાનોમાં આઈવી ડ્રિપનો ઘેલછાભર્યો ક્રેઝ: એચઆઈવી અને કિડની-લિવર ફેલ્યોર જેવા ગંભીર જોખમો સામે તબીબોની ચેતવણી

નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સતત નવ દિવસ ઉત્સાહપૂર્વક ગરબા રમવાની ઊર્જા જાળવી રાખવા અને ચહેરા પર ત્વરિત નિખાર લાવવા માટે રાજ્યના યુવાનોમાં 'આઈવી ડ્રિપ થેરાપી' લેવાનો એક અત્યંત ચિંતાજનક ટ્રેન્ડ સામે આવ્યો છે. ગરબા રમતી વખતે શરીરમાં સ્ટેમિના ટકાવી રાખવા તેમજ ત્વચા પર ચમક મેળવવાની ઘેલછામાં ખેલૈયાઓ કોઈપણ પ્રકારની યોગ્ય તબીબી સલાહ વિના વિટામિન સી, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને ગ્લુટાથિઓન ભરેલી ડ્રિપ લેવા આંધળી દોટ મૂકી રહ્યા છે. ઇન્સ્ટન્ટ ગ્લો અને ઊર્જાના શોર્ટ કટ મેળવવાની લ્હાયમાં કોસ્મેટિક ક્લિનિકો અને સ્પા કેન્દ્રોમાં એક જ સેશન પાછળ યુવાનો રૂપિયા પંદર હજાર સુધીનો જંગી ખર્ચ કરી રહ્યા છે.

જોકે, આ ઘેલછા સામે તબીબી જગતે ગંભીર લાલબત્તી ધરી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતના ઉપપ્રમુખ મુકેશ મહેશ્વરી સહિતના તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવી થેરાપીથી શરીરમાં ક્ષણિક હાઇડ્રેશન ભલે મળે, પરંતુ લાંબા ગાળે ફાયદા થવાના કોઈ સાબિત થયેલા વૈજ્ઞાનિક પુરાવા નથી. ફાયદાની સરખામણીએ તેના ગેરફાયદા અત્યંત ભયાનક છે. બિનઅનુભવી હાથો દ્વારા અને વગર જરૂરિયાતે લેવાતી આ ડ્રિપથી ગંભીર એલર્જી અને રક્તમાં ચેપ લાગવાની પૂરી સંભાવના રહે છે. વળી, અસુરક્ષિત સાધનો કે સોયના ઉપયોગને કારણે હિપેટાઇટિસ-બી, હિપેટાઇટિસ-સી તેમજ એચઆઈવી જેવી જીવલેણ બીમારીઓનો ભોગ બનવાનું જોખમ પણ રહેલું છે.

તબીબોના મતે, શરીરની જરૂરિયાત કરતા વધુ માત્રામાં વિટામિન્સ અને અન્ય રસાયણો નસો વાટે શરીરમાં ઉતારવામાં આવે ત્યારે તે વિષેરી અસર પેદા કરે છે. ગ્લુટાથિઓનના ઊંચા ડોઝથી માનવ શરીરની કિડની અને લિવર પર અતિશય પ્રેશર આવે છે, જેના કારણે ભવિષ્યમાં ઓર્ગન ફેલ્યોર કે કાયમી નુકસાન થઈ શકે છે. વિશ્વના અનેક દેશોમાં આરોગ્યલક્ષી જોખમોને ધ્યાને લઈને આવી કોસ્મેટિક ડ્રિપ પર અગાઉથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી ભારતમાં પણ યુવાનોના સ્વાસ્થ્ય સાથે થતાં આવા ચેડાં અટકાવવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે આવી ડ્રિપ થેરાપી પર કડક પ્રતિબંધ લાદવો જોઈએ તેવી માંગ ઉઠી છે.

LATEST ARTICLES