JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

‘કષ્ટબિન’ અભિયાન યજ્ઞ સમાન, વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણની આહુતિ આપે: મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મિશન બાલમન’નો પ્રારંભ

Oct 10, 2026 | 13:05 | By JAMNAGAR MIRROR
‘કષ્ટબિન’ અભિયાન યજ્ઞ સમાન, વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણની આહુતિ આપે: મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મિશન બાલમન’નો પ્રારંભ

વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની સુખાકારી અને તેમની આંતરિક મૂંઝવણોને યોગ્ય વાચા આપવાના ઉમદા આશય સાથે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘મિશન બાલમન’ અંતર્ગત એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલના વિશેષ અભિગમ હેઠળ જિલ્લાની તમામ મોટી શાળાઓ અને કોલેજોમાં પારદર્શક ‘કષ્ટબિન’ મૂકવાના પ્રોજેક્ટનો પ્રારંભ પ્રસિદ્ધ કથાકાર મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી સહિત ઉચ્ચ અધિકારીઓ અને કેળવણીકારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં આશીર્વચન પાઠવતા મોરારિબાપુએ પદ્મશ્રી દુલા ભાયા કાગના પ્રસિદ્ધ દુહાને ટાંકીને જણાવ્યું હતું કે, ‘કષ્ટબિન’ એક અત્યંત ઉજળી અને સંવેદનશીલ વ્યવસ્થા છે. તેમણે આ પહેલને પવિત્ર યજ્ઞ સાથે સરખાવતા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે, મનમાં રહેલી કોઈપણ મૂંઝવણ કે સમસ્યાને યજ્ઞકુંડરૂપી આ પેટીમાં આહુતિ સ્વરૂપે અર્પણ કરો. સંકોચ, ડર કે શરમના કારણે જે વાતો માતા-પિતા કે શિક્ષકો સમક્ષ રજૂ નથી કરી શકાતી, તેને નિર્ભયતાથી કાગળ પર વ્યક્ત કરવી જોઈએ. આ સમસ્યાઓનું મનોવૈજ્ઞાનિક દોહન કરી નિષ્ણાતો દ્વારા તેનું યોગ્ય સમાધાન શોધવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓ માનસિક રીતે સશક્ત બનશે.

જિલ્લા કલેક્ટરે આ પ્રોજેક્ટની ભૂમિકા સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા સંવાદ દરમિયાન સામે આવ્યું હતું કે બાળકો ‘લોકો શું વિચારશે’ તેવા ભયથી મનની વ્યથા કહી શકતા નથી, જેના નિવારણ માટે આ પારદર્શક પેટી મુકાઈ છે. જ્યારે નિષ્ણાત તબીબ ડોક્ટર નિમિત્ત ઓઝાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘સંવાદ એ જ શ્રેષ્ઠ સારવાર છે’. વાલીઓ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને માત્ર ગુણ કે ગૃહકાર્ય પૂછવાને બદલે ‘તું કેમ છે?’ જેવી આત્મીય પૂછપરછ કરવી જોઈએ. સાથે જ વિદ્યાર્થીઓમાં નિષ્ફળતા પચાવવાની ક્ષમતા કેળવાય તે માટે તેમને રમતગમત અને કલા સાથે જોડવા આહવાન કરવામાં આવ્યું હતું.

LATEST ARTICLES