JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગર મહાનગરપાલિકાની કચેરી કબાડીખાનામાં ફેરવાઈ: મદદનીશ કમિશનરના સ્વચ્છતા પરિપત્રની ઘોર ઉપેક્ષા

Oct 03, 2026 | 14:40 | By JAMNAGAR MIRROR
જામનગર મહાનગરપાલિકાની કચેરી કબાડીખાનામાં ફેરવાઈ: મદદનીશ કમિશનરના સ્વચ્છતા પરિપત્રની ઘોર ઉપેક્ષા

જામનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. તંત્રના કેટલાક વિભાગોની ઘોર બેદરકારીના કારણે સુંદર અને ગરિમાપૂર્ણ વહીવટી ભવન હાલ ભંગારના વાડા સમાન બની ગયું છે. કચેરીની વિવિધ શાખાઓ, લોબી અને સીડીઓ નજીક વર્ષો જૂના તૂટેલા ટેબલ, ખુરશીઓ, કબાટ, નકામા દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક કચરાના મોટા ઢગલા ખડકાયેલા જોવા મળે છે. પોતાના વહીવટી કામકાજ અર્થે આવતા નગરજનો તેમજ મુલાકાતીઓ માટે કચેરીની આ બદતર હાલત અત્યંત શરમજનક અને અકળાવનારી બની ગઈ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાલિકા સંકુલમાં વધતી જતી અસ્વચ્છતા અને ભંગારની પરિસ્થિતિને ધ્યાને રાખીને ખુદ મદદનીશ કમિશનર દ્વારા તમામ શાખાધિકારીઓને કડક પરિપત્ર પાઠવવામાં આવ્યો હતો. જેમાં બિનઉપયોગી સામાનનો તાકીદે નિકાલ કરવા અને સંકુલને સ્વચ્છ રાખવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો. આમ છતાં, આ સરકારી બાબુઓએ ઉચ્ચ અધિકારીના આદેશને ઘોળીને પી લીધો હોય તેવો ઘાટ સર્જાયો છે. પરિપત્ર જાહેર થયાને દિવસો વીતવા છતાં કચેરીમાંથી ભંગાર હટાવવા બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી, જે તંત્રની લાલિયાવાડી છતી કરે છે.

જ્યારે મહાનગરપાલિકા સમગ્ર શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સામાન્ય નાગરિકો અને વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરે છે, ત્યારે પોતાના જ મુખ્યાલયની આટલી દુર્દશા તંત્રની બેધારી નીતિ દર્શાવે છે. જો પાલિકા પોતાના આંગણે જ આદેશોનું પાલન કરાવી શકતી ન હોય તો સમગ્ર શહેરમાં સ્વચ્છતાનો સંદેશ કેવી રીતે સાર્થક થશે તે મોટો સવાલ છે. આ ગંભીર બેદરકારી સામે મ્યુનિસિપલ કમિશનર જાતે અંગત રસ દાખવી જવાબદાર વિભાગો સામે કડક શિસ્તભંગનાં પગલાં ભરે તેવી શહેરીજનોમાં પ્રબળ માંગ ઉઠી છે.

LATEST ARTICLES