રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે વર્ષ ૨૦૧૧થી ૨૦૨૧ દરમિયાન શિક્ષક અભિરુચિ કસોટી (ટાટ) પાસ કરનાર દિવ્યાંગ ઉમેદવારોએ પોતાના હક્ક અને ન્યાય માટે ગાંધીનગર સ્થિત શાળા કમિશનરની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. લાંબા સમયથી ભરતી પ્રક્રિયાથી વંચિત રહેલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે નવી ભરતીઓમાં નવા ઉમેદવારોને તક આપવામાં આવી રહી છે, જ્યારે વર્ષોથી પ્રતીક્ષા કરી રહેલા જૂના લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી રજૂઆત અનુસાર, માધ્યમિક વિભાગમાં ૭૪૨ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આશરે ૪૦૭ જેટલી દિવ્યાંગ અનામતની જગ્યાઓ ખાલી પડેલી છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન દ્વિસ્તરીય ટાટ ૨૦૨૩ના આધારે ૧,૫૪૧ જેટલી જગ્યાઓ માટે દિવ્યાંગ ભરતી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમાં વર્ષ ૨૦૧૧થી ૨૦૨૧ વચ્ચે પાસ થયેલા જૂના ઉમેદવારોને કોઈ લાભ આપવામાં આવ્યો નહોતો. આ ભેદભાવભરી નીતિ સામે ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે અને તેઓનું પરિણામ માન્ય રાખી તાત્કાલિક અસરથી ખાસ ભરતી ઝુંબેશ યોજવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત, સર્વોચ્ચ અદાલત દ્વારા અંદાજે ૨૧,૦૦૦ જેટલી બેકલોગ જગ્યાઓનો નિર્દેશ કરાયો હોવા છતાં યોગ્ય અમલ થયો નથી. ઉમેદવારોએ માંગ કરી છે કે દિવ્યાંગતાની 'બી' અને 'ડી' શ્રેણીમાં યોગ્ય ઉમેદવારો ઉપલબ્ધ ન હોય તો તે જગ્યાઓ નિયમાનુસાર 'સી' શ્રેણીના ઉમેદવારોને ફાળવવામાં આવે. લાંબા સમયથી નિમણૂક ન મળવાને કારણે એમ.એ. અને બી.એડ. જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અનેક દિવ્યાંગ ઉમેદવારો હવે વયમર્યાદા પૂર્ણ થવાના આરે પહોંચી ગયા છે.
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો માટે નિયત કરાયેલ ૪ ટકા અનામતની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવે અને યોગ્ય લાયકાત ધરાવતા દિવ્યાંગ શિક્ષકોને ન્યાય મળે તેવી જોરદાર માંગ ઉઠી છે. જો વહેલી તકે આ અંગે હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બનશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
