પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફરી એકવાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે બિનજરૂરી સ્પર્ધામાં ઉતરવાની જૂની ભૂલનું પુનરાવર્તન કર્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાની ટી૨૦ લીગ અર્થાત પાકિસ્તાન સુપર લીગની ૧૨મી સીઝનની સત્તાવાર તારીખો જાહેર કરી દીધી છે. આ જાહેરાત મુજબ ટુર્નામેન્ટ આગામી ૧૮ માર્ચથી ૨ મે, ૨૦૨૭ દરમિયાન યોજાશે. આ સતત ત્રીજી એવી સીઝન બનશે જે વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના સમયગાળા દરમિયાન જ યોજાશે. અગાઉ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોનું બહાનું આગળ ધરીને લીગ મોડી યોજાઈ હતી, પરંતુ આ વખતે કોઈ મોટો વૈશ્વિક કાર્યક્રમ ન હોવા છતાં આ હઠીલો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસિન નકવીએ પદભાર સંભાળ્યો ત્યારથી તેઓ સતત ભારતીય ક્રિકેટ બોર્ડ સામે ઘર્ષણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ સ્પર્ધા તેમના પોતાના દેશના ક્રિકેટ માટે જ નુકસાનકારક સાબિત થઈ રહી છે. વિશ્વભરના મોટાભાગના ટોચના વિદેશી ખેલાડીઓ હંમેશાં આઈપીએલ રમવાને જ પ્રાથમિકતા આપે છે. અગાઉ પણ પીએસએલની હરાજીમાં પસંદ થયેલા કેટલાક વિદેશી ખેલાડીઓએ આઈપીએલ તરફથી ઓફર મળતાં જ પાકિસ્તાની લીગ છોડી દીધી હતી. તેના પરિણામે પીએસએલને સ્ટાર ખેલાડીઓ વિના જ રમવું પડ્યું હતું અને લીગની દર્શક સંખ્યામાં અંદાજે ૪૫ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો.
આ નિર્ણયને લીધે પાકિસ્તાની લીગ સાથે સંકળાયેલા હિતધારકોમાં પણ ભારે અસંતોષ ફેલાયો છે. ટુર્નામેન્ટના પ્રસારણ અધિકારો ધરાવતી કંપની આ નિર્ણયથી નારાજ છે, કારણ કે રમઝાન માસ બાદ જાહેરાતોમાંથી થતી આવકમાં મોટો ઘટાડો નોંધાય છે. આ ઉપરાંત, વિવિધ ટીમોના માલિકો પણ દર્શકોની ઘટતી સંખ્યા અને આર્થિક નુકસાનને લઈને ચિંતિત છે. અગાઉના કડવા અનુભવોમાંથી બોધપાઠ લીધા વિના ભારત સામે સ્પર્ધા કરવાની આંધળી દોટમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે લીધેલો આ નિર્ણય લીગના ભવિષ્ય પર મોટો આર્થિક ફટકો સાબિત થશે તેમ રમત જગતના નિષ્ણાતો માની રહ્યા છે.
