JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

આસામમાં બિહુ કલાકારો પર હુમલો ભારે પડ્યો, પોલીસે 13 આરોપીઓને દબોચી લીધા

Oct 25, 2026 | 21:45 | By JAMNAGAR MIRROR
આસામમાં બિહુ કલાકારો પર હુમલો ભારે પડ્યો, પોલીસે 13 આરોપીઓને દબોચી લીધા
આસામના શ્રીભૂમિ જિલ્લામાં દુર્ગા પૂજા વિસર્જન દરમિયાન બિહુ ડાન્સર્સ પર થયેલા હુમલાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મોટો વિવાદ થયો છે. ઘટનાની ગંભીરતા સમજીને ચીફ મિનિસ્ટરે તાત્કાલિક એક્શન લેવાના આદેશ આપ્યા હતા, જેના પગલે પોલીસે કડક કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરી લીધી છે.

આસામના શ્રીભૂમિ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં દુર્ગા પૂજા વિસર્જનના જશ્ન દરમિયાન લોકપ્રિય બિહુ કલાકારો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બન્યું એમ હતું કે, શનિવારની રાત્રે શ્રીભૂમિ ટાઉનમાં હિન્દુસ્તાન ક્લબ દ્વારા દુર્ગા પૂજાની પ્રતિમા વિસર્જનનું ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ખાસ પરફોર્મન્સ આપવા માટે બિહુ ટ્રૂપના કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉત્સાહનો માહોલ હતો, પરંતુ અચાનક કોઈક વાતને લઈને માહોલ બગડ્યો અને કલાકારો પર હુમલો થઈ ગયો.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર કેટલાક વિડિયો વાયરલ થયા, જેમાં કલાકારોના શરીર પર ઈજાગ્રસ્ત નિશાનો સ્પષ્ટ જોઈ શકાતા હતા. એટલું જ નહીં, કેટલાક ફૂટેજમાં તો લોકો હાથમાં વાંસની લાકડીઓ સાથે મારામારી કરતા પણ નજરે ચડ્યા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ, બરાક વેલીમાં આસામી ગીતો વગાડવા સામેના વાંધાને કારણે આ વિવાદ સર્જાયો હોવાની ચર્ચા છે. એવા પણ આક્ષેપો થયા છે કે હુમલાખોરોએ પરંપરાગત બિહુ વાદ્યોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, આ બાબતોની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે અચાનક આવું હિંસક રૂપ કેમ ધારણ કર્યું.

આ મામલો જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આસામના ચીફ મિનિસ્ટર હિિમંતા બિસવા શર્મા સુધી પહોંચ્યો, ત્યારે તેઓ લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે બિહુ કલાકારો પર થયેલો આ હુમલો ક્યારેય સહન કરવામાં નહીં આવે. તેમણે સ્ટેટ પોલીસ ચીફને તાત્કાલિક આદેશ આપીને દોષિતો સામે કડક પગલાં લેવા કહ્યું હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું હતું કે, બિહુ એ આસામનો આત્મા, આપણું ગૌરવ અને આપણી ઓળખ છે, અને આપણી સંસ્કૃતિના અપમાનને ક્યારેય માફ નહીં કરવામાં આવે.

ચીફ મિનિસ્ટરની કડક સૂચના મળતાની સાથે જ આસામ પોલીસે હરકતમાં આવીને તાબડતોબ એક્શન લીધા હતા. શ્રીભૂમિ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હુમલા પાછળ અસલી માસ્ટરમાઇન્ડ કોણ હતું અને આટલી હિંસા ફેલાવનાર અન્ય લોકો કોણ-કોણ સામેલ હતા.

LATEST ARTICLES