ભારત દેશમાં રમતગમતના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરવા માટે સજ્જ થઈ રહ્યો છે. દેશમાં પ્રથમ વખત ઓલિમ્પિક રમતોત્સવનું ભવ્ય આયોજન થાય તે દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ અનુસાર વર્ષ ૨૦૩૬ના ઓલિમ્પિક રમતોત્સવની યજમાની ભારત મેળવે તે માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. આ વૈશ્વિક મહાકુંભ માટે ભારતે ગુજરાતના અમદાવાદ શહેરને યજમાન શહેર તરીકે વિશ્વ સમક્ષ રજૂ કર્યું છે, જેને પગલે સમગ્ર રાજ્ય અને દેશમાં ગૌરવપૂર્ણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા વર્ષ ૨૦૩૬ના આયોજન માટે ભારતની સત્તાવાર દાવેદારીની પુષ્ટિ કરવામાં આવી છે. જોકે, આ પ્રતિષ્ઠિત વૈશ્વિક આયોજન મેળવવાનો માર્ગ અત્યંત પડકારજનક છે, કારણ કે આ સ્પર્ધામાં ભારત ઉપરાંત વિશ્વના અન્ય છ સક્ષમ દેશો પણ મેદાનમાં છે. આંતરરાષ્ટ્રીય સમિતિ અનુસાર જર્મની, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, હંગેરી, તુર્કી અને કતાર પણ યજમાની મેળવવાની દોડમાં સામેલ છે. આ પૈકી જર્મની અને દક્ષિણ કોરિયા ભૂતકાળમાં ઓલિમ્પિકનું સફળ આયોજન કરી ચૂક્યા હોવાથી ભારત સામે આંતરરાષ્ટ્રીય સ્તરે આકરી સ્પર્ધા ઊભી થઈ છે.
આ કઠિન પડકાર વચ્ચે ભારત પોતાની દાવેદારીને વિશ્વ સમક્ષ વધુ પ્રભાવશાળી અને મજબૂત બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યું નથી. ભારતીય ઓલિમ્પિક સંઘ અને રમતગમત મંત્રાલય અમદાવાદમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમ તૈયાર કરવા માટે કટિબદ્ધ બન્યા છે. આ મહત્ત્વાકાંક્ષી લક્ષ્યના ભાગરૂપે તેમજ પોતાની આયોજન ક્ષમતા સાબિત કરવા માટે ભારતે વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ રમતોનું આયોજન પણ અમદાવાદમાં કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. હવે આગામી સમયમાં ભારતની આ રજૂઆત કેટલી સફળ સાબિત થાય છે તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
