ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ મહિલાઓનું પ્રમાણ આશરે ૪૯ ટકા જેટલું છે, પરંતુ વર્તમાન સંસદમાં મહિલા સાંસદોની હાજરી માત્ર ૧૪ ટકા સુધી સીમિત રહી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના એક અહેવાલમાં આ અસંતુલન પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. વર્ષ ૧૯૫૧-૫૨ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં માત્ર ૨૨ મહિલાઓ ચૂંટાઈ આવી હતી, જે કુલ ગૃહના ૫ ટકા જેટલી હતી. વર્ષ ૨૦૧૯માં આંકડો વધીને ૭૮ મહિલા સાંસદો (૧૫ ટકા) સુધી પહોંચ્યો હતો અને ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં ૭૫ મહિલા સાંસદો (૧૪ ટકા) ચૂંટાઈ આવી હતી. દાયકાઓ વીતવા છતાં સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ નિર્ધારિત ૩૩ ટકાના લક્ષ્યાંક કરતા ઘણું પાછળ રહ્યું છે. આંતર-સંસદીય યુનિયન (IPU) ના ઓક્ટોબર મહિનાના વૈશ્વિક ક્રમાંક અનુસાર, રાષ્ટ્રીય સંસદોમાં મહિલાઓના પ્રતિનિધિત્વની બાબતમાં ભારત ૧૫૨માં ક્રમે આવે છે.
આગામી સમયમાં સીમાંકન અને બંધારણીય સુધારા વિધેયકો દ્વારા લોકસભા અને રાજ્યોની વિધાનસભા બેઠકોમાં ૫૦ ટકાનો એકસમાન વધારો થવાની સંભાવના છે, જે ૩૩ ટકા મહિલા અનામતના અમલનો માર્ગ મોકળો કરશે. આ ફેરફારથી વર્ષ ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં દેશના લિંગકીય સમીકરણોમાં આમૂલ પરિવર્તન જોવા મળશે. સંસદમાં બેઠકોની સંખ્યા વધીને અંદાજે ૮૫૦ થવાની ધારણા છે, જેમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ ભાગ સુનિશ્ચિત થવાથી તેઓ માત્ર સંખ્યાત્મક દ્રષ્ટિએ જ મજબૂત નહીં બને, પરંતુ દેશની અડધી વસ્તીને અસર કરતા પ્રશ્નો પર અવાજ ઉઠાવવા માટે મોટું મંચ પણ મળશે. દેશભરના ૪,૬૬૬ સાંસદો અને ધારાસભ્યોમાંથી માત્ર ૪૬૪ એટલે કે ૧૦ ટકા જ મહિલાઓ છે. જો કે, રાજકીય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી વધુ ૩૧ મહિલા સાંસદો છે, ત્યારબાદ કોંગ્રેસ પાસે ૧૩ અને અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ પાસે ૧૧ મહિલા સાંસદો છે.
રાજકારણમાં મહિલાઓના પ્રવેશ સામે આર્થિક ભંડોળનો અભાવ સૌથી મોટો અવરોધ હોવાનું અગાઉના સર્વેક્ષણોમાં સામે આવ્યું છે. પ્રચાર અભિયાન માટે પૂરતા ટેકાના અભાવે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં ઊભી રહેલી ૨૭૯ જેટલી અપક્ષ મહિલા ઉમેદવારોમાંથી એક પણ વિજેતા બની શકી ન હતી. વિશ્વના ૧૩૦ કરતા વધુ દેશો પોતાના રાષ્ટ્રીય સંસદોમાં મહિલાઓનું પ્રમાણ વધારવા માટે કોઈને કોઈ પ્રકારના ક્વોટાનો ઉપયોગ કરે છે. આ વૈશ્વિક પ્રવાહ વચ્ચે, પીએઆરએસ લેજિસ્લેટીવ રિસર્ચના ડેટા મુજબ વૈશ્વિક સ્તરે ૨૭ ટકા સાંસદો મહિલાઓ છે. ભારતમાં ૧૯૯૦ના દાયકાના અંત સુધી લોકસભામાં મહિલાઓની હાજરી ૪ થી ૮ ટકાની વચ્ચે જ સીમિત રહી હતી, પરંતુ ત્યારબાદ તેમાં ક્રમશઃ વધારો નોંધાયો છે. આગામી સમયમાં અનામત વિધેયક પાસ થવાથી વૈશ્વિક સ્તરે ભારતના ક્રમાંક અને સ્થાનમાં પણ મોટો સુધારો જોવા મળશે.
